વાંસદા ઉનાઈથી પસાર થતો વાપી-શામળાજી હાઇવેની છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હોવાને લઈ પ્રજા અને અહીંથી પસાર થતા પ્રવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેમાં હાલમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું હોય પ્રવાસીઓનો મોટાપાયે ઘસારો જોવા મળી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે, વેકેશન દરમિયાન આજ એકમાત્ર રસ્તા પરથી પ્રવાસીઓ ડાંગ, શેરડી તેમજ અનેક પર્યટક સ્થળો પર જતાં હોય છે એવા સમયે અનેક પ્રવાસીઓના વાહનોને નુકશાની વેઠવાનો વારો આવી રહ્યો હોવા છતાં હાઇવે ઓથોરિટીના પેટનું પાણી નથી હલી રહ્યું.
રસ્તાને લઈ તંત્ર દ્વારા આખું ચોમાસુ માત્ર રિપેરીંગના નામે દેખાડા સિવાય કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. અહીંથી કેબિનેટ કક્ષાના મંત્રીઓ પણ આ રસ્તા પરથી પસાર થયા હોવા છતાં રસ્તાનું કોઈ નિરાકરણ કરવામાં કેમ નથી આવી રહ્યું એ પ્રશ્ન ખૂબ પેચીદો બનતો જાય છે
રસ્તાને લઈ ચોમાસા દરમિયાન એન.એચ.એ.આઈ ના અધિકારીઓ દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરી રસ્તાઓ પર પડેલા ખાડાઓમાં માત્ર ખોદકામ કરી રસ્તાઓ સમતલ કરવામાં આવ્યા જેને લઈ રસ્તાઓ વધુ ખોદાઈ જવા પામ્યા હતા.

