ગીર સોમનાથના વેરાવળમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી દરમિયાન નગરપાલિકાની ટીમ સાથે ગંભીર ઘટના સામે આવી છે.
જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા બે શખ્સોએ પાલિકાની ઢોર પકડ ટીમ સાથે માથાકૂટ કરી હતી. આરોપીઓએ ટીમને ભૂંડી ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ શહેરમાં જાહેરમાં ઘાસચારો વેચવા અને રખડતા પશુઓ અંગે પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામાના અમલ માટે વેરાવળ નગરપાલિકા નિયમિત કામગીરી કરે છે.
ઘટનાની જાણ થતાં જિલ્લા કલેકટરે પાલિકા અને પોલીસ તંત્રને કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. નગરપાલિકાના સ્ટાફે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ફરજ રુકાવટ અને જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ કાર્યવાહી તીર્થનગરી વેરાવળ-સોમનાથમાં નાગરિકો અને યાત્રિકોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવાના ભાગરૂપે કરવામાં આવી રહી છે.
નગરપાલિકાના સેનિટેશન વિભાગના સુપરવાઈઝર દિનેશ જેઠવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 30 એપ્રિલ 2025ના રોજ સવારે ટીમ રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહી હતી.

સવારે સવા નવ વાગ્યે 80 ફૂટ રોડ પર નવા બનતા ઓવરબ્રિજ પાસે ટીમ પહોંચી હતી. ત્યાં જાહેર રસ્તા પર બે શખ્સો ઘાસચારો વેચી રહ્યા હતા અને આસપાસ ગાયો રખડતી હતી.
ટીમ જ્યારે ગાયો પકડવા ગઈ ત્યારે ડાભોર ગામના ભરતભાઈ પાંચાભાઈ ધારેચા અને શનિભાઈ પાંચાભાઈ ધારેચાએ તેમને રોક્યા હતા.
ટીમે જિલ્લા કલેકટરના જાહેરનામાનો હવાલો આપ્યો હતો, જે મુજબ જાહેર રસ્તા પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ છે.
આમ છતાં બંને શખ્સોએ ટીમ સાથે ઝઘડો કર્યો, ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
વેરાવળ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ BNS કલમ 221, 223, 351(3), 352, 54 તેમજ જી.પી.એક્ટની કલમ 131 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ ઘટના દરમિયાન ઢોરપકડ ટીમમાં રમેશભાઈ સોલંકી, અશ્વિનભાઈ વાળા, કાંતિભાઈ ટીમાણિયા અને સતિષભાઈ વાળા હાજર હતા.

