Gujarat

સુઘડ ગામ પાસેથી 14.38 લાખનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો જપ્ત, બે રાજસ્થાની શખ્સોની ધરપકડ

ગાંધીનગર અડાલજ પોલીસે સુઘડ ગામની સીમમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે આ કેસમાં કુલ રૂ. 14.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પીઆઈ એલ.ડી. ઓડેદરાની સૂચનાથી પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ ક્રેટા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો છે.

પોલીસે સુઘડ ગામમાં દીપેશ્વરી માતાના મંદિર પાછળ વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ગાડી આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ગાડીના ચાલકે ઝડપથી ટર્ન લેતા ડિવાઈડર સાથે અથડામણ થઈ હતી.

પોલીસે ગાડીમાંથી રાજસ્થાનના ઝાલોર જિલ્લાના વતની વિનોદભારતી ગૌસ્વામી અને રમેશકુમાર રબારીને ઝડપી પાડ્યા હતા. ગાડીની તપાસ કરતા કાળા કપડા નીચે સંતાડેલો વિદેશી દારૂ અને બિયરનો 1472 નંગનો જથ્થો મળ્યો હતો.

જેની કિંમત રૂ. 4.08 લાખ છે. પોલીસે દારૂનો જથ્થો, ગાડી અને મોબાઈલ મળી કુલ રૂ. 14.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.