Gujarat

મચ્છુ નદીમાં ઝંપલાવનાર બે યુવાનનો પત્તો નહીં – 19 કલાકથી SDRF અને ફાયર ટીમ દ્વારા શોધખોળ ચાલુ

મોરબીની મચ્છુ નદીમાં ઝંપલાવનાર બે યુવાનોનો 19 કલાક પછી પણ કોઈ પત્તો લાગ્યો નથી. ગઈકાલે બપોરે રેલવે બ્રિજ પરથી નદીમાં પડતું મૂક્યા બાદથી SDRF અને ફાયર વિભાગની ટીમો દ્વારા તેમની શોધખોળ ચાલુ છે. પરિવારજનો ચિંતિત છે.

આ ઘટના ગઈકાલે બપોરે આશરે 2:45 વાગ્યે મોરબીના પાડાપુલ નજીક આવેલા રેલવે બ્રિજ પર બની હતી. બે યુવાનોએ મચ્છુ નદીમાં ઝંપલાવ્યાની જાણ મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા, ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી હતી.

પ્રારંભિક શોધખોળમાં યુવાનોનો કોઈ પત્તો ન લાગતા, ગોંડલથી SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમને મોરબી બોલાવવામાં આવી હતી. SDRF અને મોરબી મહાપાલિકાના ફાયર વિભાગના જવાનો દ્વારા સતત 19 કલાકથી નદીમાં શોધખોળ ચાલી રહી છે.

ફાયર વિભાગના અધિકારી જયેશભાઈ ડાકી પાસેથી મળતી માહિતી મુજબ, પાણીમાં ઝંપલાવનાર યુવાનો હર્ષદ બળદેવભાઈ પારઘી (ઉંમર 20, રહે. વવાણિયા) અને અનિલ કનુભાઈ ભંખોડિયા (ઉંમર 27, રહે. વીસીપરા, મોરબી) હોવાનું તેમના પરિવારજનો દ્વારા જણાવાયું છે.

આજે સવારે 10:20 વાગ્યા સુધી પણ બંને યુવાનનો કોઈ પત્તો લાગ્યો નથી. નદીમાં ગટરનું ગંદુ પાણી ભરેલું હોવાથી SDRF અને ફાયર વિભાગની ટીમના જવાનોને શોધખોળની કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.