અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલા વાવાઝોડાના પગલે જામનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના તમામ બંદરો પર ત્રણ નંબરના ભયસૂચક સિગ્નલો લગાવવામાં આવ્યા છે. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યા છે, સાથે જ 30થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
સમગ્ર કચ્છની સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ હવામાનમાં પલટો જોવા મળ્યો છે. આકાશમાં વાદળો છવાયેલા છે, જેના કારણે આજે સવારે જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. વાદળછાયું વાતાવરણ યથાવત હોવાથી વધુ વરસાદની શક્યતા છે.
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં ગઈકાલે પણ કમોસમી વરસાદી ઝાપટાં વરસ્યા હતા. જામજોધપુર તાલુકાના ધૂનડા, મોટી ગોપ અને કરસનપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે રાત્રે 8:30 વાગ્યા બાદ અડધો કલાક સુધી ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો. આનાથી સ્થાનિક ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી, જોકે બાદમાં વરસાદ રોકાઈ ગયો હતો.

અરબી સમુદ્રમાં સક્રિય થયેલા વાવાઝોડાને કારણે હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વધુ વરસાદની આગાહી કરી છે. આ અનુસંધાને જામનગર જિલ્લામાં આજે સોમવારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સિક્કા, સચાણા, જોડિયા સહિતના બંદરો પર ત્રણ નંબરના ભયસૂચક સિગ્નલ લગાવી દેવાયા છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

