Gujarat

પાલેજની એચ.એચ.એફ.એમ.સી. પબ્લિક સ્કૂલમાં સમન્વય ૨૦૨૫ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

શ્રેય મળે કે ન મળે, શ્રેષ્ઠ આપવા પ્રયત્નશીલ રહેવું એ જ જીવન છે : ડૉ. મતાઉદ્દીન ચિશ્તી
ભરૂચનાં પાલેજ નજીક આવેલી એચ.એચ.એફ.એમ.સી. પબ્લિક સ્કૂલ ખાતે કડીવાલા ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમન્વય-૨૦૨૫ કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો. જેની શરૂઆત તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવી હતી. આ તકે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમનાં અધ્યક્ષ એવાં મોટામિયાં માંગરોલની ગાદીનાં વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ હઝરત ડૉ. મતાઉદ્દીન ચિશ્તી સાહેબનું પુષ્પ ગુચ્છ તેમજ મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમન્વય-૨૦૨૫ અંતર્ગત કડીવાલા સમાજનાં ધોરણ ૧૦ થી ૧૨ નાં તેજસ્વી તારલાઓ, કોલેજનાં વિદ્યાર્થીઓ, સમાજનાં તમામ ઇજનેરોને હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન  ચિશ્તી સાહેબ અને હઝરત ડૉ. મતાઉદ્દીન ચિશ્તી સાહેબ તથા સમાજનાં અન્ય વડીલોનાં હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. આ સાથે તાલીમ એ દિન વ તસવ્વુફ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. હઝરત ડૉ. મતાઉદ્દીન ચિશ્તી સાહેબે પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણે સૌ અહીં એક ઉદ્દેશ સાથે એકત્ર થયા છે જે સમન્વયની એક સુંદર શરૂઆત છે. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબે કહ્યું છે કે તમામ ઈબાદતોથી બેહતર ઇબાદત જરૂરતમંદો, દુઃખી અને લાચાર લોકોને મદદરૂપ બનવું.
અંતમાં દુઆ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. કડીવાલા ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ રફીકભાઇ કડીવાલાએ આભારવિધિ તથા ઉપપ્રમુખ ઇરફાનભાઇ કડીવાલાએ પ્રાસંગિક ઉદબોધન અને ઇમરાનભાઇ કડીવાલાએ મંચ સંચાલન કર્યું હતું. ડો. ઇમ્તિયાઝભાઇ મોદીએ કારકીર્દી વિશે સમજ આપી હતી. અન્ય વ્યવસ્થા માટે મયુદ્દીનભાઇ મોદીએ ખૂબ મહેનત કરી હતી. આ ઉપરાંત તમામ હોદ્દેદારો, સભ્યો સહિત સમાજના તથા પટેલ સમાજનાં લોકોએ કાર્યક્રમને સફળ બનાવવા સાથ સહકાર આપ્યો હતો.