કચ્છના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક તૈયાર થઈ રહ્યો છે.સરહદને જોડતા અફાટ રણમાં હાલે 13 હજારથી વધુ શ્રમિકો સોલાર પાર્ક બનાવવાની કામગીરીમાં જોડાયા છે.
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યમાં ગેરકાયદે વસવાટ કરતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને શોધવામાં આવી રહ્યા છે.ખાસ કરીને બાંગ્લાદેશ અને તેને અડીને આવેલા રાજ્યોના નાગરિકોના આધાર પુરાવા તપાસવામાં આવી રહ્યા છે.
ત્યારે ખાવડાના સોલાર પાર્કમાં વિવિધ જગ્યાએ કામ કરતા પરપ્રાંતીયોના આધાર પુરાવા પોલીસ દ્વારા તપાસવામાં આવ્યા હતા. અત્યાર સુધી 1300થી વધુ નાગરિકોના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવામાં આવ્યા છે.
જેમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ ગતિવિધિ સામે આવી નથી. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ, ખાવડાના સોલાર પાર્કમાં તમામ પ્રકારના ડોક્યુમેન્ટ તપાસ્યા બાદ જ વ્યક્તિને પ્રવેશ મળે છે.
અહીં કામ કરતા શ્રમિકોના આધાર કાર્ડના આધારે સિક્યુરિટી પાસ ઇસ્યુ થાય છે અને તે બાદ તેઓને અંદર પ્રવેશ આપવામાં આવે છે. હાલમાં બાંગ્લાદેશને અડીને આવેલા રાજ્યો કે જે સેવન સિસ્ટર તરીકે ઓળખાય છે.
તે પશ્ચિમ બંગાળ, બિહાર વગેરે રાજ્યોના અહીં કામ કરતા નાગરિકોના આધાર કાર્ડ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે. કોઈએ બનાવટી આધારકાર્ડ બનાવી ગેરકાયદે પ્રવેશ નથી મેળવ્યો ને તે સહિતની દિશામાં ક્રોસ તપાસ કરવામાં આવી રહી છે.
શકમંદ લોકોને પોલીસ સ્ટેશને બોલાવી તેમના ગામમાં ખરાઈ પણ ખરાઈ કરાઈ રહી છે. ખાવડા પીઆઇ વી.બી.પટેલના માર્ગદર્શનમાં રણમાં પોલીસ દ્વારા આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

