કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં કચ્છમાં વિવિધ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે કોઠારામાં જીઇબી સર્કલથી સૂત્રોચ્ચાર કરી બસ સ્ટેશન પાસે આતંકવાદના પૂતળાનું દહન કર્યું. આ કાર્યક્રમમાં વિહિપના જિલ્લા મંત્રી પ્રદીપ ડાયાણી, સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ પ્રસાર સંપર્ક પ્રમુખ જગદીશસિંહ ગોહિલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

બીજી તરફ, અંજારમાં ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ અને પીર નકીમીયા મોતીયોવાલા સાર્વજનિક ટ્રસ્ટે પીર નકીમીયાની દરગાહ ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું. આ પ્રસંગે હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. સંસ્થાના પ્રમુખ હાજી મોહંમદભાઈ આગરીયા અને હાજી અનવરશા બાવા સહિતના આગેવાનોએ આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી હતી.

વિહિપ અને બજરંગ દળે અંજારમાં ગાંધી સર્કલ, મામલતદાર કચેરી પાસે પણ પૂતળા દહનનો કાર્યક્રમ યોજ્યો. તમામ સનાતન સમાજને આ કાર્યક્રમમાં જોડાવા આહ્વાન કરવામાં આવ્યું હતું. સર્વ સંગઠનોએ સરકારને આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.

