થરાદ શહેરના વોર્ડ નંબર 2 અને 3માં છેલ્લા બે માસથી ગંભીર ગટર સમસ્યા સર્જાઈ છે. નારણ દેવી પ્રાથમિક શાળા નંબર 7 પાસેથી સરકારી ગોડાઉન સુધી પસાર થતી ગટરલાઇનમાં નાની પાઇપલાઇન હોવાને કારણે વારંવાર ઓવરફ્લો થાય છે.

આ વિસ્તારમાં નારણ દેવી મંદિર, પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ અને બાલમંદિર જેવી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. ગટરના ગંદા પાણી રોડ પર રેલાવાને કારણે વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ ન આવતા, મોટી સંખ્યામાં લોકોએ નાયબ કલેકટર કચેરી ખાતે જઈને રજૂઆત કરી હતી. લોકોએ ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનું કાયમી સમાધાન નહીં આવે તો બંને વોર્ડના રહીશો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશે.
આ સમસ્યાના કારણે વિસ્તારમાં જાહેર આરોગ્યનો પ્રશ્ન પણ ઊભો થયો છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં ન લેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


