અમદાવાદમાં બુધવારે ભારે વરસાદ પડ્યો હતો. શહેરના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં એસપી રીંગ રોડ પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના વસ્ત્રાલ તળાવ ઓવરફ્લો થઈ ગયું હતું. તળાવની આજુબાજુમાં પાણી ભરાઈ ગયા હતા.
તળાવમાં જ આવેલા ગાર્ડન અને વોક-વે ઉપર હજુ પાણી ભરાયેલા છે. વરસાદ બંધ થયાના પાંચ દિવસ બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના કોઈપણ અધિકારીઓએ વસ્ત્રાલ તળાવ પર ધ્યાન આપ્યું નથી.
આજે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજુબાજુની સોસાયટીઓમાં સાપ જેવા જીવ-જંતુઓ પણ આવવા લાગ્યા છે. સ્થાનિક ભાજપના કોર્પોરેટરો અને અધિકારીઓએ કામગીરી ન કરતા નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે.
આ અંગે વસ્ત્રાલ વોર્ડના ભાજપના કોર્પોરેટર અને રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, વસ્ત્રાલ તળાવ ગાર્ડનમાં ઓવરફ્લો થવાના કારણે પાણી ભરાયેલા છે, જેથી તેને ખાલી કરવાની સૂચના અધિકારીઓને આપી દેવામાં આવી છે. જ્યારે ભાજપના અન્ય કોર્પોરેટર પરેશ પટેલે જણાવ્યું હતું કે, તળાવને અન્ય તળાવ સાથે ઇન્ટરલિન્કિંગ કરવામાં આવ્યું છે.
દર વર્ષે પાણીનો નિકાલ થઈ જાય છે, પરંતુ ચાલુ વર્ષે કોઈ કારણોસર પાણીનો નિકાલ થયો નથી. વસ્ત્રાલના અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે, જ્યાં ડિવોટરીંગ પંપ મૂકવાની જરૂરિયાત હોવાથી પ્રાથમિક ધોરણે ત્યાં મૂકી પાણીનો નિકાલ કરાયો છે. આજે અથવા આવતીકાલે આ જગ્યા ઉપર વરસાદી પાણીનો નિકાલ થઈ જશે.

