ગત વર્ષ ઑક્ટોબરમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી, ઇઝરાયલની બાંધકામ કંપનીઓએ કથિત રીતે સરકાર પાસેથી પેલેસ્ટિનિયન મજૂરોની જગ્યાએ ભારતીય કામદારોને નોકરી પર રાખવાની મંજૂરી માંગી હતી.
જે બાદ ઈઝરાયલની કંપનીઓએ ગુજરાત હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી કામદારો લીધા છે.
જે કામદારોમાં પંચમહાલ અને દાહોદ જિલ્લાના અનેક લોકો ઇઝરાયલ ખાતે પહોંચ્યા હતા.
9 દિવસથી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલતાં ઇઝરાયલ પર ભારે હુમલા થવાના સમાચારો મળી રહ્યા છે.
આવી સ્થતિમાં પંચમહાલ દાહોદના અસંખ્ય કામદારો મિસાઇલો અને ડ્રોન હુમલા વચ્ચે ભયના ઓથા હેઠળ કામગીરી કરી રહ્યા છે.
ઇઝરાયલ ખાતે પંચમહાલ દાહોદના 50થી વધુ લોકો સળિયા સેન્ટિગ કાર્પેન્ટર જેવી કામગીરી કરી રહ્યા છે.
કેટલાક લોકો તેલ અવીવ અને અન્ય લોકો આસપાસ નારામલા, હાઇફા, જેરુસેલ્લ્મ,બેશમેશ જેવા નાના મોટા શહેરોમાં કામગીરી કરીને યુદ્ધના તણાવ વચ્ચે રોજીરોટી મેળવી રહ્યા છે.
જો અચાનક હુમલો થાય તો આ મજૂરોને બન્કરોમાં ચાલ્યા જવાના આદેશ પહેલેથી આપવામાં આવેલ છે.
રવિવારે સવારે તેલ અવીવ નજીક આવેલ રામલા ખાતે સવારે 7 વાગ્યે એકાએક 15 થી વધુ મિસાઇલો આકાશમાં દેખાતાં દહેશત ફેલાઇ હતી.
તાત્કાલિક બધાને બન્કરોમાં ભાગવાની ફરજ પડેલ હતી.
ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે રોજ ડ્રોન અને મિસાઇલોના હુમલામાં આસપાસની ખંડેર ઇમારતો જોવા મળી રહી છે. જોકે દહેશત વચ્ચે પણ આ તમામ હાલ સુરક્ષિત છે.
ઇઝરાયલ સરકાર સુરક્ષા મેસેજ મોકલે છે
અમેરિકાના ઈરાન પરના હુમલા બાદ હાલ બે દિવસથી કામગીરી બંધ હોવાને કારણે અમો ઘરોમાં બેસી રહ્યા છે.
ઇઝરાયલ સરકાર દ્વારા સુરક્ષાને લઈને અમોને મોબાઈલ દ્વારા મેસેજ મોકલવામાં આવી રહ્યાં છે. અમો જે સ્થળ પર કામગીરી કરી રહ્યા છે.
તે સ્થળ પરથી ઈરાન દ્વારા હુમલો કરવામાં આવતી મિસાઇલો તેમજ ડ્રોનને અમો નરી આંખે જોઈ રહ્યા છે. પણ હાલ અમો બધા સુરક્ષિત છે.
સ્થિતિ થાળે પડે એટલે કામે લાગીએ છીએ
હાલમાં ચાલતા ઈરાન ઇઝરાયલ યુદ્ધના તણાવ વચ્ચે અમો સવારે વહેલા ઉઠી જઈએ છીએ અને રાબેતા મુજબ કામગીરીના સ્થળ પર ચાલ્યા જઈ છીએ. યુદ્ધની સ્થતિમાં અમોને સુરક્ષાના હેતુ દરેક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
સાયરન વાગતાની સાથે અમો બન્કરોમાં ચાલ્યા જઈએ છીએ. સ્થિતિ થાળે પડે એટલે ફરી બન્કરમાંથી બહાર આવીને કામગીરી ફરી કાર્યરત થઇએ છીએ, અહીંયા અમો બધા સુરક્ષિત છીએ.