Gujarat

205 રૂમના ગોપાળાનંદસ્વામી અતિથિ ભવનનું લાલજી મહારાજના હસ્તે પૂજન

વડતાલ ધામમાં ભક્તોની સુવિધામાં વધારો કરવા માટે નવું અતિથિ ભવન બનાવવામાં આવશે. આ અતિથિ ભવનનું ભૂમિપૂજન 23 મે શુક્રવારે અપરા એકાદશીના દિવસે સંપન્ન થયું.

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ પિઠાધિપતી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી આ કાર્યક્રમ યોજાયો.

મોટા લાલજી સૌરભપ્રસાદજી મહારાજના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વડતાલ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન ડો.સંતવલ્લભદાસજી સ્વામી, મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આ સર્વોચ્ચ તીર્થધામમાં ઉત્સવો અને પૂનમના દિવસે લાખો યાત્રીકો આવે છે. ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને 205 રૂમનું શ્રી ગોપાળાનંદસ્વામી અતિથિ ભવન બનાવવામાં આવશે.

ટ્રસ્ટી બોર્ડના ચેરમેન ડો.સંતસ્વામીએ જણાવ્યું કે આ નિર્માણ કાર્ય એક વર્ષમાં પૂર્ણ થશે. કાર્યક્રમમાં બ્રહ્મસ્વરૂપસ્વામી, ટ્રસ્ટી બોર્ડના સભ્યો તેજસભાઈ પટેલ, અલ્પિતભાઈ પટેલ, બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી અને અન્ય અગ્રણીઓ હાજર રહ્યા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામવલ્લભસ્વામીએ કર્યું હતું.