જાપાનમાં ઓમોરી પ્રાંત નજીક સોમવારે ૭.૫ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અગાઉ તેની તીવ્રતા ૭.૬ જણાવવામાં આવી હતી. ભૂકંપ સ્થાનિક સમય મુજબ રાત્રે ૧૧:૧૫ વાગ્યે આવ્યો હતો. જાપાન ટાઈમ્સ અનુસાર, ભૂકંપમાં ૩૦ લોકો ઘાયલ થયા છે. જાપાનની હવામાન વિજ્ઞાન એજન્સીએ ઓમોરી, ઇવાતે અને હોકાઇડો પ્રાંતો માટે સુનામીની ચેતવણી જારી કરી હતી. થોડા કલાકો પછી આ ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી છે.
ભૂકંપથી ઘણા ઘરોને નુકસાન થયું છે. રસ્તાઓ ધસી પડ્યા હતા, જેના કારણે ઘણી ગાડીઓ ફસાઈ ગઈ હતી. એજન્સીએ હોકાઇડોથી ચિબા સુધીના ઉત્તર-પૂર્વીય કિનારે ૮ તીવ્રતાના વધુ ભૂકંપ આવવાની ચેતવણી આપી છે. એજન્સીએ રહેવાસીઓને આવનારા સપ્તાહમાં સુરક્ષિત સ્થળોએ જવાની અપીલ કરી છે.
ભૂકંપનું કેન્દ્ર જાપાનના કિનારેથી ૭૦ કિમી દૂર સમુદ્રમાં ૫૦ કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપ પછી ઓમોરી પ્રાંતમાં ૨,૭૦૦ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ઓમોરી શહેરમાં આગ લાગવાની ૨ ઘટનાઓ બની છે.

