International

સ્વીડનની ઓરેબ્રોની એક શાળામાં ગોળીબારની ઘટના; ૧૦ લોકોના મોત, ૫ ઘાયલ

સ્વીડનમાં ઓરેબ્રોની એક શાળામાં ગોળીબારની ઘટના બની હતી જેમાં પાંચ લોકો ઘાયલ થયાના સમાચાર આવ્યા હતા. ગોળીબારની ઘટના બાદ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, હાલ તેમની ઈજાઓ વિશે કોઈ માહિતી મળી શકી નથી અને આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે દસ લોકોના મોતના પણ સમાચાર આવ્યા હતા. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પરંતુ ખતરો હજુ ટળ્યો નથી, તેથી પોલીસે લોકોને ઘટના સ્થળથી દૂર રહેવા વિનંતી કરી છે.

શાળામાં ગોળીબારની ઘટના બાદ શાળાના વિદ્યાર્થીઓને નજીકની ઈમારતોમાં આશરો આપવામાં આવી રહ્યો છે. હિંસા બાદ શાળા ખાલી કરાવી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ સ્કૂલ સ્ટોકહોમથી લગભગ ૨૦૦ કિમી દૂર છે. તે પશ્ચિમમાં છે. આ ઘટના ત્યારે બની જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ શાળામાં હાજર હતા. આ હુમલામાં કોઈ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી.

સ્વીડિશ સરકારના ન્યાય પ્રધાન ગુન્નર સ્ટ્રોમરે કહ્યું કે ઓરેબ્રોમાં હિંસાનો મામલો ગંભીર છે. પોલીસ ઘટનાસ્થળે કાર્યવાહી કરી રહી છે. સરકાર પોલીસના સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

મીડિયા સૂત્રો અનુસાર આ ઘટના બાદ માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે, પાંચ લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ થઈ છે. આ હુમલાની તપાસ હત્યાના પ્રયાસ, આગચંપી અને ગંભીર ગુના તરીકે કરવામાં આવી રહી છે. સ્થાનિક કટોકટી સેવાઓના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પોલીસ હાલમાં ઘટનાસ્થળે કાર્યવાહી કરી રહી છે. આ ઉપરાંત, એમ્બ્યુલન્સ અને અન્ય લોકો ઘટનાસ્થળે હાજર છે.