International

‘મેં ભારત-પાકિસ્તાન સહિત છ યુદ્ધો સમાપ્ત કર્યા છે, અને આ સૌથી મુશ્કેલ છે‘: રશિયા-યુક્રેન યુદ્ધ પર ટ્રમ્પ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના યુક્રેનિયન સમકક્ષ વોલોડીમીર ઝેલેન્સકીએ સોમવારે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે યુક્રેનિયન અને યુરોપિયન નેતાઓ સાથે વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને સંડોવતા ત્રિપક્ષીય વાટાઘાટો માટે માર્ગ મોકળો કરી શકે છે. બંને નેતાઓ વચ્ચેની તાજેતરની બેઠક ટ્રમ્પની રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે શુક્રવારે થયેલી વાતચીત બાદ થઈ છે, ત્યારબાદ તેમણે કહ્યું હતું કે હવે ઝેલેન્સકી પર ર્નિભર છે કે તેઓ એવી છૂટછાટો પર સંમત થાય જે તેમના મતે યુદ્ધનો અંત લાવી શકે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે છેલ્લા છ મહિનામાં છ યુદ્ધોનો અંત લાવ્યો છે.

ઝેલેન્સકીએ ત્રિપક્ષીય વાટાઘાટો માટે મંજૂરી આપી

ઝેલેન્સકીએ ત્રિપક્ષીય વાટાઘાટો માટે પણ ખુલ્લું વલણ વ્યક્ત કર્યું. “અમે ત્રિપક્ષીય વાટાઘાટો માટે તૈયાર છીએ જેમ રાષ્ટ્રપતિએ કહ્યું હતું… તે ત્રિપક્ષીય વિશે સારો સંકેત છે… મને લાગે છે કે આ ખૂબ સારું છે,” ઝેલેન્સકીએ કહ્યું. તેમણે વધુમાં કહ્યું કે તેઓ યુક્રેનમાં ચૂંટણીઓ યોજવા માટે તૈયાર છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ શાંતિ કરાર પછી યુક્રેનમાં ચૂંટણી કરાવવા માટે તૈયાર છે, ત્યારે યુક્રેનિયન રાષ્ટ્રપતિએ જવાબ આપ્યો, “હા, ચોક્કસ, હું ચૂંટણી કરાવવા માટે તૈયાર છું, પરંતુ આપણે સલામત પરિસ્થિતિઓમાં તે કરવું જાેઈએ. ચૂંટણી કરાવવા માટે આપણને સુરક્ષાની જરૂર છે.”

ઝેલેન્સકી સાથે મુલાકાત બાદ ટ્રમ્પ પુતિનને ફોન કરશે

ટ્રમ્પે કહ્યું કે તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે “પરોક્ષ રીતે” વાતચીત કરી છે અને દિવસના અંતમાં તેમની સાથે સીધી ફોન પર વાત કરવાનો ઇરાદો ધરાવે છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથેની તેમની વ્હાઇટ હાઉસની વાતચીત દરમિયાન, ટ્રમ્પે નોંધ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ, યુક્રેન અને રશિયા વચ્ચે ત્રિપક્ષીય સંવાદની શક્યતા હજુ પણ ખુલ્લી છે. તેમણે ઉમેર્યું કે ચાલુ બેઠકો પૂર્ણ થયા પછી પુતિન તેમના કૉલની રાહ જાેઈ રહ્યા છે. “હું આ બેઠક પછી પુતિનને ફોન કરીશ… આપણી ત્રિપક્ષીય બેઠક હોઈ શકે કે ન પણ હોય અને પછી લડાઈ ચાલુ રહે… મને લાગે છે કે યુદ્ધનો અંત લાવવાની આપણી પાસે સારી તક છે. જ્યારે આપણે આ બેઠક પૂર્ણ કરીશું ત્યારે તેઓ મારા કૉલની રાહ જાેઈ રહ્યા છે,” ટ્રમ્પે ઉમેર્યું.