‘અબુ સબાહ’ તરીકે જાણીતા બલવિંદર સિંહ સાહની, જે સોશિયલ મીડિયા પર પોતાની વિશિષ્ટ કાર અને લક્ઝરી શોપિંગનો શોખ રાખતા હતા, તેમને દુબઈની કોર્ટે ૧૫૦ મિલિયન દિરહામનો દંડ ફટકાર્યો છે.
જાણીતા ભારતીય ઉદ્યોગપતિ બલવિંદર સિંહ સાહનીને દુબઈની કોર્ટે એક વિશાળ આંતરરાષ્ટ્રીય બિટકોઈન મની લોન્ડરિંગ કેસમાં તેમની ભૂમિકા બદલ દંડ ફટકાર્યો છે. બિટકોઈનના ગેરકાયદેસર ઉપયોગ સાથે સંકળાયેલા આ કેસે નોંધપાત્ર ધ્યાન ખેંચ્યું છે, જે યુએઈમાં સૌથી મોટા નાણાકીય ગુનાના કેસોમાંનો એક છે.
અબુ ધાબીની રાજ્ય સુરક્ષા એજન્સીએ શોધી કાઢ્યું કે ૩૦ વ્યક્તિઓ મની લોન્ડરિંગ પ્રવૃત્તિમાં સામેલ હતા. તેઓએ યુકેમાં સંગઠિત ગુના જૂથો સાથે સહયોગ કરીને તેમનો વ્યવસાય ચાલુ રાખ્યો. પ્રતિવાદીઓ પાકિસ્તાન, યુકે, ભારત, ઇરાક, જાેર્ડન, પેલેસ્ટાઇન અને નેધરલેન્ડ સહિત વિવિધ દેશોના છે.
મીડિયા સૂત્રો અનુસાર, યુકે સ્થિત ડ્રગ ટ્રાફિકર્સના ભંડોળને સાહનીની માલિકીના ડિજિટલ વોલેટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને તેનું સંચાલન તેમના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવતું હતું. ત્યારબાદ અન્ય પ્રતિવાદીઓએ ડિજિટલ નાણાં રોકડમાં ટ્રાન્સફર કર્યા અને તેને દુબઈની એક લક્ઝરી હોટેલમાં ભાડાના એપાર્ટમેન્ટમાં પહોંચાડ્યા.