મધ્ય પૂર્વ શાંતિ પ્રક્રિયા પર સંયુક્ત રાષ્ટ્રની બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આ ર્નિણયની જાહેરાત કરી હતી, જેના કારણે ફ્રાન્સે પેલેસ્ટાઇનને સ્વતંત્ર દેશ તરીકે ઔપચારિક રીતે માન્યતા આપી હતી. છેલ્લા ૩૬ કલાકમાં, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલે પણ પેલેસ્ટાઇનને એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે માન્યતા આપી છે. ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સે હજુ સુધી પેલેસ્ટાઇનને માન્યતા આપી નથી, અને ઇટાલીએ પણ આમ કરવાનું ટાળ્યું છે. આનાથી સમગ્ર ઇટાલીમાં વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સામે હિંસક વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે.
ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની માંગણી કરી રહેલા વિરોધીઓ ઇટાલિયન સરકાર સામે પેલેસ્ટાઇન તરફી પ્રદર્શનો શરૂ થયા છે. મિલાનમાં, કાળા પોશાક પહેરેલા સેંકડો વિરોધીઓ સેન્ટ્રલ ટ્રેન સ્ટેશનમાં પ્રવેશ્યા. તેઓ લાકડીઓથી સજ્જ હતા અને પોલીસ સાથે અથડામણ કરી, સ્મોક બોમ્બ, બોટલો અને પથ્થરો ફેંક્યા. સ્ટેશન પર આગ અને તોડફોડના અહેવાલો મળ્યા, જેમાં સરકારી ઇમારતો અને જાહેર સંપત્તિને નુકસાન થયું.
વિરોધીઓ અને પોલીસ વચ્ચે અથડામણો
હિંસક વિરોધ પ્રદર્શનોને કારણે, ટ્રેન સેવાઓ બંધ કરવામાં આવી છે અને બંદરો બંધ કરવામાં આવ્યા છે. રોમ અને મિલાનમાં, દસ જેટલા વિરોધીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા, રસ્તાઓ બ્લોક કરી રહ્યા હતા અને રેલ્વે સ્ટેશનો પર વિરોધ કરી રહ્યા હતા, ત્યારે પ્રદર્શનો દરમિયાન ૬૦ થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. ગાઝાને સમર્થન આપવાની માંગણી કરતા પ્રદર્શનકારીઓ સાથે અથડામણ પણ વધી હતી.
જ્યોર્જિયા મેલોનીએ શું કહ્યું?
દક્ષિણ બંદર શહેર નેપલ્સમાં, જે વેપારનું મુખ્ય કેન્દ્ર છે, ત્યાં પ્રદર્શનકારીઓએ રસ્તાઓ બ્લોક કરવાનો પ્રયાસ કર્યો અને રેલ્વે સ્ટેશનો પર પ્રદર્શન કર્યું. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે પાણીના તોપનો ઉપયોગ કર્યો. મેલોનીએ પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે ઇટાલીમાં તેમની સરકાર પર દબાણ લાવવા માટે સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, પરંતુ આ બાબતે તેમનું વલણ મક્કમ છે.
કેટલા દેશોએ પેલેસ્ટિનિયન રાજ્યત્વને માન્યતા આપી છે?
અત્યાર સુધીમાં, ભારત, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુનાઇટેડ કિંગડમ અને સાઉદી અરેબિયા સહિત ૧૫૨ દેશો દ્વારા પેલેસ્ટાઇનને માન્યતા આપવામાં આવી છે. આ સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોના લગભગ ૭૮ ટકા છે. ભારતે ૧૯૮૮ માં પેલેસ્ટાઇનને માન્યતા આપી હતી. જાે કે, ઇઝરાયલ, યુનાઇટેડ સ્ટેટ્સ, ઇટાલી, જાપાન અને કેટલાક અન્ય દેશોએ માન્યતા આપી નથી.