National

આઠમા પગાર પંચની રચનાની જાહેરાત : કેન્દ્રના ૧.૧૫ કરોડ કર્મચારી અને પેન્શનરોને લાભ મળશે

કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીએને બજેટ ૨૦૨૫થી પહેલા સારા સમાચાર આપ્યા છે. કેન્દ્રની એનડીએ સરકારે ૮મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. સરકારના આ ર્નિણયથી ૫૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૫ લાખ કેન્દ્રીય પેન્શનરો એમ કુલ ૧.૧૫ કરોડ લોકોને ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વવાળી સરકારે આઠમા પગાર પંચની રચનાનો ર્નિણય એવા સમયે લીધો છે જ્યારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું વધીને ૫૩ ટકા થઇ ગયો છે.

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી આઠમા પગાર પંચની રચનાની જાહેરાતની રાહ જાેઇ રહ્યાં હતાં. જાે કે અત્યાર સુધી સંસદમાં જ્યારે પણ આઠમા પગાર પંચને અમલમાં મૂકવા અંગે કોઇ પણ પ્રશ્ર પૂછવામાં આવતો હતો ત્યારે સરકાર આ અંગેનો કોઇ પ્રસ્તાવ રજૂ થયો ન હોવાનું કહેતી હતી. જાે કે હવે સરકારે આઠમા પગાર પંચની રચનાની સત્તાવાર જાહેરાત કરી છે. આ સાથે જ આઠમા પગાર પંચની રચનાનો માર્ગ સાફ થઇ ગયો છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલ આ ર્નિણયની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બેઠકમાં નવા પગાર પંચની રચનાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ પંચને આગામી વર્ષ એટલે કે ૨૦૨૬ સુધી પોતાનો રિપોર્ટ સુપ્રત કરવો પડશે. આઠમા પગાર પંચના અધ્યક્ષ અને તેના બે સભ્યોના નામની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે દર દસ વર્ષે નવા પગાર પંચની રચના કરવામાં આવે છે. સાતમું પગાર પંચ ૨૦૧૬થી અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ પગાર પંચના દસ વર્ષ ડિસેમ્બર, ૨૦૨૫માં પૂરા થશે. સાતમું પગાર પંચ પૂર્ણ થતા પહેલા જ સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી દીધી છે. આઠમું પગાર પંચ અમલમાં આવ્યા પછી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછું ૨.૮૬ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે.

જાે આમ થશે તો લઘુતમ બેઝિક પગાર વધીને ૫૧,૪૮૦ થવાનો અંદાજ છે. હાલમાં લઘુતમ બેઝિક પગાર ૧૮૦૦૦ છે. તેવી જ રીતે લઘુતમ પેન્શન ૯૦૦૦ રૂપિયાથી વધીને ૨૫,૭૪૦ થઇ જવાની શક્યતા છે. સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ૨.૫૭ નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે છઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ૧.૮૬ ટકા નક્કી કરવામાં આવ્યું હતું.