National

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સહપરિવાર જયપુરમાં આમેર કિલ્લો નિહાળ્યો

રાજસ્થાનમાં રજવાડી ઠાઠમાઠ સાથે જેડી વેન્સ, તેમની પત્ની ઉષા અને ત્રણ બાળકોની સ્વાગત

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે છે. આ સમય દરમિયાન તેઓ જયપુરમાં છે જ્યાં તેઓ આમેર કિલ્લાની મુલાકાત લેવા આવ્યા છે. કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ આગળ દિવસે રાત્રે જયપુર પહોંચ્યા અને રામબાગ પેલેસમાં રોકાયા. આજે સવારે તે પોતાના પરિવાર સાથે આમેર કિલ્લો નિહાળ્યો હતો. વેન્સ અને તેના પરિવારની સુરક્ષા માટે ૨૪૦૦ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. અમેરિકી ઉપરાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર જયપુર શહેરને શણગારવામાં આવ્યું છે.

તેમને હાથી સ્ટેન્ડથી ખાસ ઇલેક્ટ્રિક ગાડીમાં આમેર કિલ્લાની અંદર લઈ જવામાં આવ્યા. તેમણે અને તેમના પરિવારે ઇ-કાર્ટમાંથી જ કિલ્લાના બાહ્ય ભાગો, માવઠ સરોવર અને કેસર ક્યારી બગીચાની મુલાકાત લીધી. આ પછી, યુએસ ઉપરાષ્ટ્રપતિ ઇ-કાર્ટ દ્વારા જલેબી ચોક ગયા, જ્યાં બે હાથીઓ પુષ્પા અને ચંદાએ તેમનું અને તેમના પરિવારનું સ્વાગત કર્યું.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે તેમના પરિવાર સાથે લગભગ એક કલાક માટે આમેર કિલ્લાની મુલાકાત લીધી અને એક ગાઈડની મદદથી તેના ઇતિહાસ વિશે જાણ્યું. તેમણે કિલ્લા પર તેમની પત્ની ઉષા અને બાળકો સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા. કિલ્લામાં સ્થિત ૧૧૩૫ એડી રેસ્ટોરન્ટમાં તેમના માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં ચાંદીના સિંહાસન પર વેન્સ અને પરિવારને રાજસ્થાની ભોજન પીરસવામાં આવ્યું હતું.

વેન્સ અને પરિવાર માટે રાત્રિભોજનની વ્યવસ્થા હોટેલ રામબાગ પેલેસમાં જ કરવામાં આવી હતી. તેઓ પરિવાર સાથે મંગળવારની રાત જયપુરમાં જ વિતાવશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તેમના પરિવાર સાથે બુધવારે સવારે ખાસ વિમાનમાં જયપુરથી આગ્રા જવા રવાના થશે. ત્યાં તાજમહેલની મુલાકાત લીધા પછી, તેઓ બપોર સુધીમાં તે જ વિમાનમાં જયપુર પાછા ફરશે અને સાંજે સિટી પેલેસ જશે. તેમજ વેન્સ અને તેમનો પરિવાર ગુરુવારે સવારે અમેરિકા જવા રવાના થશે.