National

કન્નૌજમાં આગરા-લખનઉ એક્સપ્રેસ હાઈવે પર બસમાં અચાનક આગ લાગી, ૫૦ મુસાફરોએ બારીમાંથી કૂદી જીવ બચાવ્યાં

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર શનિવારે એક ભયાનક અકસ્માત લગભગ ટળી ગયો હતો. લખનઉથી દિલ્હી જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસમાં અચાનક આગ લાગી હતી. આ બનાવથી બસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, આગ લાગ્યા બાદ બસની અંદર ધુમાડો ભરાવા લાગ્યો હતો અને મુસાફરો ડરી ગયા હતા. પરિસ્થિતિ વણસતી જાેઈને ડ્રાઈવરે તરત જ બસને રોડની કિનારે રોકી દીધી. આગનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટની આશંકા છે.

ઘટના દરમિયાન મુસાફરોએ શાણપણ દાખવ્યું હતું અને બારી-દરવાજામાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. સદનસીબે, તમામ મુસાફરો સમયસર બસમાંથી બહાર નીકળી ગયા હતા અને કોઈને ગંભીર ઈજા થઈ હોવાના અહેવાલ નથી. ફાયર વિભાગને જાણ કર્યા બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. સ્થાનિક પ્રશાસન અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.