આપણે જે કર્મ કરીએ છીએ, તે જ આપણા સુખ કે દુ:ખનું કારણ બને છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
અહિંસા, સંયમ અને તપ સૌથી ઉત્કૃષ્ટ ધર્મ છે: આચાર્ય શ્રી મહાશ્રમણજી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જેના સિદ્ધાંતોને ધારણ કરવાથી આપણે પણ સુખી થઈએ અને આપણા સંપર્કમાં આવનાર અન્યને પણ સુખી કરીએ તેને જ સાચો ધર્મ કહેવાય છે. આ દુનિયામાં ફક્ત ધર્મ જ છે જે, માણસને અન્ય પશુ પક્ષીઓથી જુદો પાડે છે.
ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વભારતી ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીના ચતુર્માસ પ્રવેશ સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ચતુર્માસ દરમિયાન સાધુ સંતો એક જ જગ્યાએ રોકાણ કરે છે અને લોકો સાથે શાસ્ત્રો તથા આત્મા-પરમાત્મા વિષે ચર્ચા કરે છે તથા લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરીને આત્માના વિકાસનો માર્ગ આપે છે. આપણા સૌ માટે આનંદની વાત છે કે, આચાર્ય પ્રવર શ્રી મહાશ્રમણજી ચાર મહિના અહીં રહેશે. આપણે તેમના જ્ઞાનનો લાભ અવશ્ય લેવો જાેઈએ.
રાજ્યપાલશ્રીએ વધુમાં કહ્યું હતું કે, મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં આત્માની ઉન્નતી માટે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનો માર્ગ બતાવ્યો છે. જેમાં યમમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાભૂતની વાત કરવામાં આવી છે. જે આત્માની ઉન્નતીનો રસ્તો બતાવે છે. આ પાંચ મહાભૂતો સમગ્ર દુનિયામાં બધા માટે સમાન રીતે લાગુ પડે છે. મનુષ્યના આત્માના વિકાસ માટે આ પાંચ સિદ્ધાંતો જરૂરી છે. આપણું જીવન માત્ર ખાવા, પીવા અને જીવવા માટે નથી, જીવનનો સાચો ઉદ્દેશ્ય આત્માની ઉન્નતિમાં છે. જીવનનું અંતિમ લક્ષ્ય આત્માનો વિકાસ કરીને મોક્ષ પ્રાપ્ત કરવાનું છે.
અહિંસાની વ્યાખ્યા આપતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રાણીમાત્ર પ્રત્યે દયા, કરુણા અને સહિષ્ણુતાની ભાવના રાખવી, મન, વચન અને કર્મથી કોઈ વિશે ખરાબ ન વિચારવું એ જ સાચી અહિંસા છે. અહિંસાના સિધ્ધાંત વિના આ દુનિયા ટકી શકે નહીં.
રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું કે, જે વ્યક્તિ અહિંસા, દયા અને સહિષ્ણુતાને પોતાના જીવનમાં ઉતારે છે, તેના માટે જ આધ્યાત્મનો રસ્તો ખુલે છે. સાધુ સંતોનું જીવન પરોપકાર માટે હોય છે. આચાર્ય શ્રી મહાશ્રમણજીએ દેશભરમાં ૬૦ હજાર કિલોમીટરથી વધુ ચાલીને યાત્રા કરી છે. ગામે-ગામ જઈને લોકો વચ્ચે રહે છે, લોકોને ઉપદેશ આપે છે. યુવાનોને વ્યસન મુક્ત કરવાનું કાર્ય કરે છે. પ્રકૃતિને બચાવવા વૃક્ષારોપણ અભિયાન ચલાવે છે. આ ઉપરાંત માનવ મૂલ્યના મૂળભૂત સિદ્ધાંતોને બચાવવા કાર્ય કરી રહ્યા છે, જે ખૂબ પ્રશંસાને પાત્ર છે.
આ પ્રસંગે આચાર્ય શ્રી મહાશ્રમણજીએ ધર્મની વ્યાખ્યા સમજાવતાં કહ્યું કે, ધર્મના ત્રણ પ્રકાર છે, અહિંસા, સંયમ અને તપ સૌથી ઉત્કૃષ્ટ ધર્મ છે. પ્રાણી માત્ર પ્રત્યે અહિંસાની ભાવના, મૈત્રીપૂર્ણ વ્યવહાર, તમામ પ્રાણીઓને આપણા સમાન માનવા એ જ સાચો ધર્મ છે. જે વ્યવહાર આપણા માટે પ્રતિકૂળ છે, તેવો વ્યવહાર અન્ય સાથે કરવો જાેઈએ નહીં. આપણને સુખ ગમે તો અન્યને પણ સુખ જ ગમે, આપણે અપમાન સહન ન કરી શકીએ તો કોઈનું અપમાન ન કરવું જાેઈએ. આપણે જે અન્ય પાસેથી ચાહિયે છીએ તેવું વર્તન આપણે બીજા સાથે કરીએ તે જ સાચી અહિંસા છે.
આચાર્ય શ્રી મહાશ્રમણજીએ વધુમાં કહ્યું કે, સાચો ધર્મ મનુષ્યને ઉન્નત કરીને જીવનને પવિત્ર બનાવે છે. જૈન ધર્મમાં ચતુર્માસનું વિશેષ મહત્વ છે, જેમાં સાધુ સંતો એક જ સ્થાન પર રહી ચાર મહિના સુધી સાધના કરે છે અને લોકોને ઉપદેશ આપે છે. આ પરંપરા ભારતનો અમૂલ્ય આધ્યાત્મિક વારસો છે. આ અવસરે આપણે સૌએ સાચા ધર્મને અપનાવીને સમગ્ર દુનિયા માટે સુખ શાંતિનો રસ્તો બનાવવો જાેઇએ.
આચાર્ય શ્રી મહાશ્રમણજીના ચતુર્માસ પ્રવેશ કાર્યક્રમમાં મુખ્ય મુની શ્રી મહાવીર કુમાર, સાધ્વી પ્રમુખા, સાધ્વી વર્યા, આમંત્રિત મહેમાનો, મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં જૈન ધર્મના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.