National

ચીનના HMP વાયરસનું પત્યું નથી, ત્યાં દેશમાં આવી એક વિચિત્ર બીમારી; એકાએક લોકો થાય છે ટાલિયા

વિચિત્ર સમસ્યાએ ગ્રામજનોને પરેશાન કરી સ્વાસ્થ્ય સમસ્યાએ લોકોમાં ખળભળાટ મચાવી દીધો

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના કેટલાંક ગામોમાં છેલ્લાં કેટલાંક સમયથી એક વિચિત્ર બીમારી ફેલાઈ છે. જેને કારણે સંખ્યાબંધ લોકોના વાળ ઝડપથી ખરી રહ્યાં છે અને લોકો ગણતરીના દિવસોમાં જ ટાલિયા બની રહ્યાં છે. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી એક વિચિત્ર સમસ્યાએ ગ્રામજનોને પરેશાન કરી દીધા છે.

જિલ્લાના અનેક ગામોના લોકો થોડા દિવસોમાં અચાનક વાળ ખરવા અને ટાલ પડવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યા એટલી વધી ગઈ છે કે અત્યાર સુધીમાં બે ડઝનથી વધુ લોકો ટાલ પડી ગયા છે. આ અસામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાએ લોકોમાં ખળભળાટ મચાવી દીધો છે. બુલઢાણા જિલ્લાના કેટલાક ગામોમાં લોકોએ થોડા દિવસોમાં અચાનક વાળ ખરવાની અને ટાલ પડવાની ફરિયાદ કર્યા પછી સત્તાવાળાઓએ સંદૂષણને શોધવા માટે સ્થાનિક પાણીના સ્ત્રોતોનું પરીક્ષણ શરૂ કર્યું છે. બુલઢાણા જિલ્લાના ત્રણ ગામોમાં છેલ્લા ૩ દિવસમાં ૬૦થી વધુ લોકોના વાળ અચાનક જ ખરવાનું શરૂ થઈ ગયું છે.

જિલ્લાના શેગાંવ તહસીલના બોંડગાંવ, કાલવાડ અને હિંગણા ગામમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના દરેકના વાળ ખરવા લાગ્યા છે. જેના કારણે તેઓને ટાલ પડી રહી છે, મહિલાઓ પણ તેનો શિકાર બની રહી છે. આ ગામડાઓમાં ફેલાઈ રહેલો આ ક્યા પ્રકારનો રોગ છે, તે હજુ સુધી જાણી શકાયું નથી. આ રોગ આનુવંશિક છે કે કેમ તે જાણવા માટે આરોગ્ય વિભાગની ટીમે આ ગામોમાં જઈને સર્વે કર્યો છે. તેમણે પાણીના સેમ્પલ પણ લઈ લીધાં છે. શેગાંવના આરોગ્ય અધિકારી ડૉ. દીપાલી બહેકરે અહીં પત્રકારોને જણાવ્યું કે, મામલો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમે મંગળવારે ગામડાઓમાં સર્વે શરૂ કર્યો છે.

અસરગ્રસ્તોની સારવાર શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લા પરિષદના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે દરમિયાન શેગાંવ તાલુકાના કલવાડ, બોંડગાંવ અને હિંગણા ગામોના ૩૦થી વધુ લોકો વાળ ખરવા અને ટાલ પડવાની સમસ્યાથી પીડાતા જાેવા મળ્યા હતા. બહેકરે મંગળવારે જણાવ્યું હતું કે વિભાગે લક્ષણોના આધારે દર્દીઓની તબીબી સારવાર શરૂ કરી છે અને ત્વચારોગ વિજ્ઞાનીઓની સલાહ પણ લેવામાં આવી રહી છે.

જિલ્લા પરિષદના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આ ગામોના પાણીના નમૂનાઓ પણ પરીક્ષણ માટે મોકલવામાં આવી રહ્યા છે, જેથી પાણીમાં સંભવિત દૂષણની તપાસ કરી શકાય. આ રોગના પહેલા દિવસે જ વ્યક્તિને માથામાં ખંજવાળ આવવા લાગે છે. બીજા દિવસથી વાળ હાથમાં આવવા માંડે છે અને ત્રીજા દિવસે દર્દીને ટાલ પડી જાય છે. સ્ત્રીઓ આ રોગથી સૌથી વધુ પીડિત છે. બીકના માર્યા મોટાભાગના દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, મનુષ્યની સુંદરતામાં વાળનું આગવું મહત્વ છે. વાળની જાળવણી માટે લોકો અનેક જાતના ઉપચારો અને નુસખા અજમાવતા રહે છે.