સામાન્ય રીતે ટેકનોલોજી વિશે ઓછી જાણકારી ધરાવનારા વૃદ્ધો સાયબર ગઠિયાઓનો ભોગ બનતા હોય છે. પરંતુ, બેંગલુરુના ટેકનોલોજી ક્ષેત્રમાં કામ કરતા વ્યક્તિએ રૂ. ૧૧ કરોડ ગુમાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વિજય કુમારનું માર્કેટમાં રૂ. ૫૦ લાખનું રોકાણ હતું. જે વધીને રૂ. ૧૨ કરોડ થઈ ગયું હતું. તેને ફોન કરીને ગઠિયાઓએ પોલીસ, કસ્ટમ્સ અને ઈડીના અધિકારી તરીકે ઓળખ આપીને મની લોન્ડરિંગના કેસમાં ધરપકડની ધમકી આપી હતી. પોલીસે આ કેસમાં તરુણ નટણી, કરણ અને ધવલ શાહ નામના આરોપીઓની ધરપકડ કરી છે.
ગઠિયાઓએ પહેલા પીડિત પાસેથી આધાર, પાન કાર્ડ અને કેવાયસી જેવી માહિતી માંગી લીધી હતી. ત્યારબાદ, નવ અલગ અલગ બેંકમાં ખાતા ખોલાવીને તેમાં ફંડ જમા કરાવી લીધા હતા. તેમણે પીડિતને જણાવ્યું હતું કે, તેનું નામ આ કેસમાંથી અલગ કરવાની પ્રક્રિયાનો એક ભાગ છે. પીડિતની ફરિયાદ બાદ સાયબર ક્રાઈમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. અલ્હાબાદમાં બેંક એકાઉન્ટમાંથી રૂ. ૭.૫ કરોડ ટ્રેસ કરવામાં આવ્યા હતા.
આ પગેરું પોલીસને સુરત તરફ દોરી ગયું હતું. પોલીસને જાણકારી મળી હતી કે, આ નાણાનો ઉપયોગ ધવલ શાહ નામના આરોપી દ્વારા સોનું ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. તપાસમાં ખુલાસો થયો છે કે, ધવલ શાહે દુબઈ સ્થિત ગઠિયાઓની સૂચના પર કામ કર્યું હતું. ખરીદીની વ્યવસ્થા માટે રૂ. ૧.૫ કરોડનું કમિશન મેળવ્યું હતું. સોનું ‘નીલ ભાઈ’ નામના વ્યક્તિને સોંપવામાં આવ્યું હતું.