ભારતીય સેના ના જવાનો દ્વારા સતત એલર્ટ રહીને આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસે રામબન જિલ્લાના ગુલ વિસ્તારમાં હિઝબુલ મુજાહિદ્દીનના પાંચ આતંકવાદીઓની સ્થાવર મિલકતો જપ્ત કરી છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (ર્ઁદ્ભ)માં રહીને ભારત વિરોધી ગતિવિધિઓમાં સંડોવાએલા છે.
આ કાર્યવાહી વિષે મળતી માહિતી અનુસાર, ગુલના સેક્શન ઓફિસર દ્વારા જારી કરાયેલા આદેશ હેઠળ જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીર પોલીસ અથવા અન્ય અધિકૃત સંસ્થાઓ દ્વારા પરવાનગી આપવામાં ન આવે ત્યાં સુધી આ મિલકતોના વેચાણ, લીઝ અથવા અન્ય કોઈપણ પ્રકારના વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રવક્તાએ કહ્યું કે આ જપ્તીની સીધી અસર હિઝબુલ મુજાહિદ્દીનના ફંડિંગ પર પડશે, જેના કારણે તે વિસ્તારમાં પોતાનો પ્રભાવ ફરી સ્થાપિત કરી શકશે નહીં. આ આતંકવાદીઓના પરિવારોને કાયદાકીય અને નાણાકીય પ્રતિબંધોનો પણ સામનો કરવો પડશે જેના કારણે તેઓ આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન આપી શકશે નહીં.
આ જપ્ત કરાયેલી સંપત્તિ સંગલદાનના સરાજ દિન (૪૮), દલવાહના રિયાઝ અહેમદ (૪૫), બાંજ ભીમદાસાના ફારૂક અહેમદ (૪૬), મોઇલાના મોહમ્મદ અશરફ (૫૦) અને મુશ્તાક અહેમદ (૪૭)ની છે. પોલીસે આતંકવાદ સામે કડક પગલાં ભરવાના ભાગરૂપે આ કાર્યવાહી કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ પાંચેય આતંકવાદીઓ હથિયારોની તાલીમ લેવા અને ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ કરવા ર્ઁદ્ભ ગયા હતા. ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સ દર્શાવે છે કે તેઓ તેમની સ્થાવર મિલકતો વેચવાની યોજના બનાવી રહ્યા છે જેથી કરીને આ રકમનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક યુવાનોને ભડકાવવા માટે કરી શકાય. પરંતુ હવે તેઓ આમ કરી શકશે નહી.