તમિલ અભિનેતા વિજયના રાજકીય પક્ષ, તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) એ મદ્રાસ હાઈકોર્ટના ૩ ઓક્ટોબરના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેમાં કરુર ભાગદોડની તપાસ માટે પોલીસ મહાનિરીક્ષકની આગેવાની હેઠળ એક વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ની રચના કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
પાર્ટીએ સર્વોચ્ચ અદાલતના હસ્તક્ષેપની માંગ કરી છે, પોલીસની આગેવાની હેઠળની એસઆઈટી તપાસને બદલે ઘટનાની સ્વતંત્ર તપાસનો આગ્રહ કર્યો છે.
આ અરજી એડવોકેટ્સ દીક્ષિતા ગોહિલ, પ્રાંજલ અગ્રવાલ અને યશ એસ વિજય દ્વારા દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ ૧૦ ઓક્ટોબરે ટીવીકેની અરજી પર સુનાવણી કરવાનું છે.
આ કેસ સંબંધિત બીજી અરજી પણ એડવોકેટ જીએસ મણિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેમાં આ મામલાની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) તપાસની માંગ કરવામાં આવી છે.
કરુર ભાગદોડ કેસ અંગે અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી છે.
મદ્રાસ હાઈકોર્ટે સીબીઆઈ તપાસની માંગણી કરતી અરજી ફગાવી દીધી
મદ્રાસ હાઈકોર્ટે ૩ ઓક્ટોબરના રોજ અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજય દ્વારા ૨૭ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી રાજકીય રેલી દરમિયાન થયેલી દુ:ખદ ભાગદોડની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ની રચના કરવાનો આદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમના ગેરવહીવટ અંગે વધતી ટીકા વચ્ચે કોર્ટનો આ નિર્દેશ આવ્યો હતો, જેના પરિણામે ૪૧ લોકો મૃત્યુ પામ્યા હતા.
આ ર્નિણય હાઈકોર્ટની મુખ્ય બેન્ચ દ્વારા લેવામાં આવ્યો હતો, જેણે આ ઘટનાની સીબીઆઈ તપાસની માંગ કરતી ભાજપ નેતાની અરજીને પણ ફગાવી દીધી હતી.
આ ઘટના વિશે
કરુરમાં વિજયની પાર્ટી, તમિઝગા વેત્રી કઝગમ (ટીવીકે) દ્વારા આયોજિત રેલી દરમિયાન ભાગદોડ થઈ હતી. અધિકારીઓએ જાહેર કર્યું હતું કે આ કાર્યક્રમમાં ૨૭,૦૦૦ થી વધુ લોકો હાજર રહ્યા હતા – જે અપેક્ષિત સંખ્યા કરતા લગભગ ત્રણ ગણા વધારે છે. પોલીસે આ અંધાધૂંધી માટે વિજયના સ્થળ પર આગમનમાં સાત કલાકના વિલંબને જવાબદાર ઠેરવ્યો છે.
કોર્ટે ભીડ નિયંત્રણ જાળવવામાં નિષ્ફળતા બદલ કાર્યક્રમના આયોજકો, ટીવીકે નેતાઓ અને સ્થાનિક પોલીસની ટીકા કરી હતી.