National

નવરાત્રીના સાતમા દિવસે માં કાલરાત્રિની પૂજા-અર્ચના કરવામાં આવે છે

નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરવાની પરંપરા છે. મા કાલરાત્રીને શુભંકરી પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે મા કાલરાત્રિની પૂજા કરવાથી કાળનો નાશ થાય છે. માતાનું આ સ્વરૂપ બહાદુરી અને હિંમતનું પ્રતિક માનવામાં આવે છે. માતાના કાળા રંગને કારણે તેને કાલરાત્રી કહેવામાં આવે છે. જાે માતાના સ્વરૂપની વાત કરીએ તો માતા કાલરાત્રીને ત્રણ આંખો છે. તેના હાથમાં તલવાર અને કાંટો છે. તેમજ તેમનું વાહન ગધેડો છે.

માં કાલરાત્રીને ત્રણ આંખો છે, જે બ્રહ્માંડની જેમ ગોળ છે. માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકતી માળા છે. કહેવાય છે કે આ સ્વરૂપમાં માતાએ શુંભ અને નિશુંભ રાક્ષસોનો વધ કર્યો હતો. માં કાલરાત્રિને મહાયોગેશ્વરી, મહાયોગિની અને શુભંકરી પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે આ સ્વરૂપમાં માંની પૂજા કરવાથી માં કાલરાત્રિ પોતાના ભક્તોની કાલથી રક્ષા કરે છે, એટલે કે કાલરાત્રિની પૂજા કરવાથી લોકોને અકાળ મૃત્યુનો ડર નથી રહેતો.

માં દુર્ગાના કાલરાત્રિ સ્વરૂપની પૂજા કરવા માટે સવાર અને રાત્રિ બંને શુભ માનવામાં આવે છે. માં કાલરાત્રિની પૂજા કરવા માટે સવારે સ્નાન કરો અને લાલ ધાબળાના આસન પર બેસો. માં કાલરાત્રિના ફોટા પર ગંગાજળનો છંટકાવ કરો. ત્યારબાદ દીવો પ્રગટાવો અને સમગ્ર પરિવાર સાથે માંની સ્તુતિ કરો, દુર્ગા ચાલીસાનો પાઠ કરો, હવન કરો અને માં કાલરાત્રિને ગોળમાંથી બનાવેલ માલપુઆ ચઢાવો. તમે રુદ્રાક્ષની માળાથી કાલરાત્રિના મંત્રનો જાપ પણ કરી શકો છો.