(નિખિલ ભટ્ટ)
વૈશ્વિક વેપાર મોરચે પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નરે દેશના આર્થિક વિકાસને ટેકો આપવા રિઝર્વ બેન્ક દરેક પ્રયાસો કરી રહી હોવાનું જણાવ્યું હતું. હાલની સ્થિતિમાં જે કંઈપણ આવશ્યક છે તે કરવાનું અમે ચાલુ રાખીશું. વેપાર વાટાઘાટ હજુપણ ચાલી રહી છે. સુમેળભર્યો ઉકેલ આવશે તેવી અમને આશા છે, એમ નાણાં નીતિની સમીક્ષા બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું.
આર્થિક વિકાસને ટેકો આપવા રિઝર્વ બેન્ક દ્વારા માત્ર નાણાં નીતિ અથવા લિક્વિડિટી તરફી જ નહીં પરંતુ તર્કબદ્ધ નિયમનના પણ પગલાં લેવાયા છે. દેશના જીડીપી અંદાજમાં ફેરબદલ કરવા માટે પૂરતા ડેટા ઉપલબ્ધ નહીં હોવાનું ગવર્નરે જણાવ્યું હતું. ફુગાવાને જ્યાં સુધી સંબંધ છે ત્યાંસુધી ભારત બહારી પરિબળો પર ઓછો આધાર રાખે છે. ટેરિફની કોઈપણ અસર થશે તો તે વિકાસ અને માંગ પર જાેવા મળશે. જ્યાંસુધી રિટાલિએટરી ટેરિફ નહીં હોય ત્યાંસુધી ફુગાવા પર કોઈ ગંભીર અસર જાેવા નહીં મળે અને રિટાલિએટરી ટેરિફની શકયતા નથી.
ભારતે યુકે, યુએઈ તથા ઓસ્ટ્રેલિયા સાથે વેપાર કરાર પૂર્ણ કર્યા છે અને અમેરિકા, યુરોપ, ઓમાન તથા ન્યુઝીલેન્ડ સાથે વાટાઘાટ થઈ રહી છે. ભારત પાસે ફોરેકસ રિઝર્વનું સ્તર સાનુકૂળ છે અને ૧૧ મહિનાનું આયાત બિલ ચૂકવી શકાય એટલું છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. લોન સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે દેશની બેન્કિંગ વ્યવસ્થામાં એનપીએની સ્થિતિ સંતોષકારક છે. ગ્રોસ એનપીએનું સ્તર ૨.૨૦ ટકા અને નેટ એનપીએ ૦.૫૦થી ૦.૬૦ ટકા આસપાસ છે.