અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને એવા કેસોની ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો છે જ્યાં હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાયના ધર્મોમાં ધર્માંતરણ કરનારા વ્યક્તિઓ હજુ પણ અનુસૂચિત જાતિ (SC) લાભોનો દાવો કરી રહ્યા છે. કોર્ટે કહ્યું કે આ પ્રથા “બંધારણ સાથે છેતરપિંડી” સમાન છે અને કહ્યું કે ધર્માંતરણ પછી જાતિના દરજ્જા અંગેના કાયદાને “વાસ્તવિકતા અને ખરા અર્થમાં” લાગુ કરવો જાેઈએ.
કોર્ટે ગોરખપુરના મહારાજગંજ જિલ્લાના રહેવાસી જિતેન્દ્ર સહાનીની અરજીને ફગાવી દેતા આ ચુકાદો આપ્યો હતો. સહાનીએ ખ્રિસ્તી પ્રાર્થના સભાઓ દરમિયાન હિન્દુ દેવતાઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા અને ધાર્મિક ધર્માંતરણને પ્રોત્સાહન આપવા બદલ તેમની સામે ફોજદારી કાર્યવાહી રદ કરવાની માંગ કરી હતી.
જાેકે કોર્ટે ફોજદારી કેસમાં દખલ કરી ન હતી, પરંતુ તેણે ધર્માંતરણ કરનારાઓ દ્વારા ખોટા SC દાવાઓની મોટી સમસ્યાને સંબોધવા માટે તકનો ઉપયોગ કર્યો હતો.
સહાનીએ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૫૩છ અને ૨૯૫છ હેઠળ કાર્યવાહીને પડકારવા માટે ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ ૪૮૨ હેઠળ અરજી દાખલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આરોપો પાયાવિહોણા હતા અને કહ્યું હતું કે તેઓ ફક્ત પૂર્વ પરવાનગીથી પ્રાર્થના સભાઓ ચલાવતા હતા.
સુનાવણી દરમિયાન, કોર્ટે અવલોકન કર્યું કે હિન્દુ સમુદાયમાં જન્મેલા સહાનીએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો અને પાદરી તરીકે સેવા આપી હતી. છતાં કોર્ટમાં આપેલા સોગંદનામામાં, તેમણે હજુ પણ હિન્દુ તરીકે ઓળખ આપી હતી. બેન્ચે બંધારણ (અનુસૂચિત જાતિ) આદેશ, ૧૯૫૦ નો ઉલ્લેખ કર્યો હતો, જે જણાવે છે કે હિન્દુ ધર્મ, શીખ ધર્મ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનું પાલન કરતી કોઈપણ વ્યક્તિ અનુસૂચિત જાતિનો દરજ્જાે જાળવી શકતી નથી.
કોર્ટે સુસાઈ, કેપી મનુ અને સી સેલવરાની સહિતના સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ધર્માંતરણ પછી અનુસૂચિત જાતિના લાભોનો દાવો કરવાની મંજૂરી નથી અને તે અનામતના હેતુને નિષ્ફળ બનાવે છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિની ઓળખ ઐતિહાસિક જાતિ-આધારિત ભેદભાવ સાથે જાેડાયેલી છે, જે ખ્રિસ્તી ધર્મ અથવા અન્ય ઘણા ધર્મોમાં માન્ય નથી. તેણે કહ્યું કે આવા દાવા ઘણીવાર “માત્ર અનામત મેળવવાના હેતુ માટે” કરવામાં આવે છે અને તેને મંજૂરી આપી શકાતી નથી.
કોર્ટે મહારાજગંજના જિલ્લા મેજિસ્ટ્રેટને ત્રણ મહિનાની અંદર સહાનીની વાસ્તવિક ધાર્મિક સ્થિતિ ચકાસવા અને જાે તેમનું સોગંદનામું ખોટું હોવાનું જણાય તો કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો. વધુમાં, કોર્ટે કેબિનેટ સચિવ, ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અને સમાજ કલ્યાણ અને લઘુમતી કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓને રાજ્યભરમાં આ મુદ્દાની તપાસ કરવા જણાવ્યું હતું.

