ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો આવી ગયા છે, જેમાં AAP એ બે બેઠકોમાં જીત મેળવી છે. જ્યારે ભાજપને નિરાશા હાથ લાગી છે. પેટાચૂંટણીમાં ભાજપ માત્ર એક જ બેઠક પર પોતાના નામ કરી શકી છે. કેરળની એક બેઠક પર કોંગ્રેસે, પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ બેઠક પર કબજાે કર્યો હતો.
ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં બે વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાંથી માત્ર કડીની બેઠક પર ભાજપે જીત મેળવી છે. જ્યારે વિસાવદરમાં આપનું ઝાડુ ચાલ્યું છે. મહેસાણા જિલ્લાની કડી બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડાએ ૩૯૪૫૨ મત સાથે જીત મેળવી હતી. જ્યારે વિસાવદરમાં ૧૭૫૫૪ મત સાથે ભાજપના કિરીટ પટેલને હરાવી ગોપાલ ઈટાલિયાએ વર્ચસ્વ જમાવ્યું હતું. ફેબ્રુઆરીમાં ભાજપ ધારાસભ્ય કરસન સોલંકીના નિધન બાદ કડીની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી.
કેરળના નીલાંબુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં UDF ઉમેદવાર અને કોંગ્રેસ નેતા આર્યદાન શૌકતે જીત હાંસલ કરી હતી. તેમણે CPI (M)ના એમ. સ્વરાજને ૧૧૦૭૭ મતથી હરાવ્યા હતાં. કોંગ્રેસે આ બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીને ૨૦૨૬માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાની સેમિફાઈનલ ગણી હતી.
લુઘિયાણા પશ્ચિમ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રિત બસ્સી ગોગીના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર આજે ફરી આમ આદમી પાર્ટીએ પોતાનો ઝંડો લહેરાવ્યો હતો. છછઁના સંજીવ અરોરાએ આ બેઠક પર જીત હાંસલ કરી હતી. તેમણે કોંગ્રેસના ભારત ભૂષણને ૧૦૬૩૭ મતથી હરાવ્યા હતા.
પશ્ચિમ બંગાળની કાલીગંજ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ઓલ ઈન્ડિયા તૃણમુલ કોંગ્રેસના આલિફા અહમદે ૫૦,૦૪૯ મત સાથે ભાજપના આશિષ ઘોષને હરાવ્યા હતાં. આ બેઠક પર ચૂંટણી અભિયાનમાં ઓળખાણનું રાજકારણ, મુર્શિદાબાદમાં રમખાણોનો ભય અને ઓપરેશન સિંદૂરનો મુદ્દો ફોકસમાં રહ્યો હતો.