યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના ચેરમેન આચાર્ય બાલકૃષ્ણની મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે. કેરળની એક કોર્ટે તેમના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.
કેરળની પલક્કડ જિલ્લા અદાલતે બંનેની ગેરહાજરીને કારણે તેમની સામે વોરંટ જારી કર્યું છે. કેરળના ડ્રગ્સ ઈન્સ્પેક્ટર દ્વારા દિવ્યા ફાર્મસી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા ક્રિમિનલ કેસમાં તે હાજર થયો ન હતો.
કોર્ટે બંને સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરીને ૧૫મી ફેબ્રુઆરીએ હાજર રહેવા આદેશ કર્યો છે. અગાઉ, ૧ ફેબ્રુઆરીએ, કોર્ટે આ આરોપીઓ વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું, જેથી તેઓ કોર્ટમાં હાજર થઈ શકે.
આ કેસ દિવ્યા ફાર્મસી દ્વારા પ્રસારિત કરવામાં આવેલી કથિત ભ્રામક તબીબી જાહેરાતોથી સંબંધિત છે. જેના પર કેરળના ડ્રગ્સ ઈન્સ્પેક્ટરે કાર્યવાહી કરી છે.
તમને જણાવી દઈએ કે, યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ વિરુદ્ધ ઘણા કેસ નોંધાયા છે. આમાં ગેરમાર્ગે દોરનારી જાહેરાતો, તિરસ્કાર અને ટ્રેડમાર્ક ઉલ્લંઘન જેવા કેસોનો સમાવેશ થાય છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને પતંજલિને રાહત આપી છે. જાે કે, કોર્ટે તેમને ચેતવણી આપી હતી કે જાે તેઓ ફરીથી કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરશે તો તેમને સજાનો સામનો કરવો પડી શકે છે.
થોડા દિવસો અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા પતંજલિની ભ્રામક જાહેરાતના કેસમાં બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડની માફી સ્વીકારી લીધી હતી. આ કેસમાં માનહાનિનો કેસ બંધ કરવામાં આવ્યો હતો.