National

પુતિન પછી હવે ઝેલેન્સ્કી ભારત આવે એવી શક્યતા!

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પછી હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી આવતા મહિને ભારતની મુલાકાતે આવી શકે છે. જાેકે, હજુ તારીખોની જાહેરાત થઈ નથી. ઝેલેન્સ્કીની આ ભારતની પ્રથમ મુલાકાત હશે. યુક્રેનના રાષ્ટ્રપતિઓએ ૧૯૯૨, ૨૦૦૨ અને ૨૦૧૨માં અત્યાર સુધી માત્ર ત્રણ વખત ભારતની મુલાકાત લીધી છે. વિક્ટર યાનુકોવિચ છેલ્લા યુક્રેનિયન રાષ્ટ્રપતિ હતા, જેઓ ૨૦૧૨માં ભારત આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત રશિયા અને યુક્રેન વચ્ચે સંતુલન જાળવી રાખવા માગે છે. ૨૦૨૪માં પણ ભારતે આવું જ કર્યું હતું. પીએમ મોદી પહેલા મોસ્કો ગયા અને પુતિનને મળ્યા હતા અને થોડા અઠવાડિયા પછી તેઓ કિવ જઈને ઝેલેન્સ્કીને મળ્યા હતા.

ભારત અને યુક્રેનના અધિકારીઓ વચ્ચે છેલ્લા ઘણા અઠવાડિયાથી વાતચીત ચાલી રહી છે. આ વાતચીત પુતિનની યાત્રા પહેલા જ શરૂ થઈ ગઈ હતી. રિપોર્ટ્સ અનુસાર, ઝેલેન્સ્કીનો પ્રવાસ ક્યારે અને કેવી રીતે થશે તે ઘણી બાબતો પર ર્નિભર રહેશે, જેમ કે ટ્રમ્પની નવી શાંતિ યોજના કઈ દિશામાં જાય છે, યુદ્ધની સ્થિતિ કેવી રહે છે અને યુક્રેનની રાજનીતિ કેવી રીતે આગળ વધે છે, કારણ કે આ સમયે ત્યાં ઝેલેન્સ્કી સરકાર ભ્રષ્ટાચારના આરોપોથી દબાણમાં છે.

૨૦૨૨માં યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી વડાપ્રધાન મોદી, પુતિન અને ઝેલેન્સ્કી બંને સાથે સતત વાત કરતા રહ્યા છે. ફોન કોલ હોય કે આંતરરાષ્ટ્રીય બેઠકો, બંને નેતાઓ સાથે તેમનો સંપર્ક જળવાઈ રહ્યો છે. પીએમ મોદી ઓગસ્ટ ૨૦૨૪માં યુક્રેનની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે તેમણે ઝેલેન્સ્કીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. બેઠકમાં મોદીએ કહ્યું હતું કે ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે. હું થોડા દિવસ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યો હતો. ત્યારે મેં કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી. મોદી અને ઝેલેન્સ્કી વચ્ચે યુક્રેનના મેરિન્સકી પેલેસમાં લગભગ ૩ કલાક બેઠક થઈ હતી. બાદમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ મીડિયાને કહ્યું હતું કે ભારત એક મોટો દેશ છે, તેનો પ્રભાવ વધુ છે. ભારત પુતિનને રોકી શકે છે. ભારત પોતાની ભૂમિકા ભજવશે.