શ્રીલંકા વિરુદ્ધ થનારી ટેસ્ટ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાની ૧૬ સભ્યની ટીમની જાહેરાત કરી દેવાઈ છે. ૨૯ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી શ્રીલંકા વિરુદ્ધ બે ટેસ્ટ મેચ માટે સ્ટીવ સ્મિથને વચગાળાનો કેપ્ટન નિમણૂક કરવામાં આવ્યો છે.
સ્મિથ પેટ કમિન્સની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરશે જે પેટરનિટી લીવ પર છે અને એડીમાં સામાન્ય સમસ્યાથી પીડાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ પૂર્વ અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ કેપ્ટન કૂપર કોનોલીને પહેલી વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. યુવા ખેલાડી નાથન મેકસ્વીનીને તાજેતરમાં જ બોર્ડર-ગાવસ્કર સીરિઝમાં મેલબોર્ન અને સિડની ટેસ્ટમાં ન રમવા છતાં ટીમમાં પાછો બોલાવવામાં આવ્યો છે.
સ્પિનર મેટ કુહનેમેન અને ટોડ મર્ફીની પણ ટીમમાં વાપસી થઈ છે. જાેકે ટીમને પગની ઈજાના કારણે જાેશ હેઝલવુડ અને મિચેલ માર્શની ખોટ વર્તાશે. જાેશ અને માર્શ બંનેની નજર આગામી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પર ટકેલી છે.
જે પાકિસ્તાન અને દુબઈમાં થવાની છે. ગ્લેન મેક્સવેલ, એડમ જામ્પા અને પીટર હેન્ડ્સકોમ્બ જેવા ખેલાડીઓને આ પ્રવાસ માટે સંભવિત મુસાફરો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની પસંદગી કરવામાં આવી નહીં. શ્રીલંકા વિરુદ્ધ થનાર બંને મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ૨૦૨૩- ૨૦૨૫ સાઈકલનો ભાગ છે પરંતુ ફાઈનલમાં અંતિમ સ્થાન પહેલેથી નક્કી છે જ્યાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટક્કર થવાની છે.

