ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારત પહેલી ટીમ બની જેના ખેલાડીઓએ 5 સદી ફટકારી હતી પરંતુ તેમ છતાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પહેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને 5 વિકેટથી હરાવ્યું હતું. લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવીને 371 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
મંગળવારે, મેચના છેલ્લા દિવસે મોહમ્મદ સિરાજનો ઇંગ્લિશ ઓપનર બેન ડકેટ અને જેક ક્રોલી સાથે ઝઘડો થયો હતો.
બેન ડકેટે ભારત સામે ચોથી ઇનિંગમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. જસપ્રીત બુમરાહ ક્રોલીનો કેચ ચૂકી ગયો.
IND vs ENG ટેસ્ટના પાંચમા દિવસની મોમેન્ટ્સ અને રેકોર્ડ વાંચો…
રેકોર્ડ્સ અને ફેક્ટ્સ
- 41 વર્ષ પછી હેડિંગ્લી મેદાન પર ચોથી ઇનિંગમાં કોઈ ટીમની ઓપનિંગ ભાગીદારી 100થી વધુ હતી. જેક ક્રોલી અને બેન ડકેટે મળીને પ્રથમ વિકેટ માટે 188 રન ઉમેર્યા હતા. આ પહેલા 1984માં વેસ્ટ ઈન્ડિઝના ડેસમંડ હેન્સ અને ગોર્ડન ગ્રીનિજે 106 રનની ભાગીદારી કરી હતી.
- 2010 પછી પહેલીવાર કોઈ ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટર ચોથી ઇનિંગમાં સદી ફટકારી હતી. બેન ડકેટે 149 રનની ઇનિંગ રમી હતી. 15વર્ષ પહેલાં, એલિસ્ટર કૂકે મીરપુરમાં બાંગ્લાદેશ સામે અણનમ 109 રન બનાવ્યા હતા.
- હેરી બ્રુક ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ બેટર બન્યા જે પહેલી ઇનિંગમાં 99 રન અને બીજી ઇનિંગમાં પહેલા જ બોલે (ગોલ્ડન ડક) આઉટ થયા.
- હેડિંગ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે પોતાનો બીજો સૌથી મોટો રન ચેઝ કર્યો. આ પહેલા તેમણે 2022માં એજબેસ્ટન ખાતે ભારત સામે 378 રન ચેઝ કર્યા હતા. આ ઈંગ્લેન્ડનો ભારત સામેનો બીજો સૌથી મોટો રન ચેઝ છે.
- ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષના ઇતિહાસમાં, ભારત એવી પહેલી ટીમ બની ગઈ છે જેના ખેલાડીઓએ એક જ મેચમાં પાંચ સદી ફટકારી હતી પરંતુ તેમ છતાં તે મેચ હારી ગઈ હતી. આ પહેલા 1928-29ની એશિઝ શ્રેણીમાં આવું બન્યું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ટેસ્ટમાં ચાર સદી ફટકારી હતી. આ જ મેચમાં, ડોન બ્રેડમેને પણ પોતાની પહેલી ટેસ્ટ સદી (112 રન) ફટકારી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા હજુ પણ હારી ગયું હતું.