Sports

સતત બીજી વખત આઇસીસી અંડર૧૯ મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો

ફરી એકવાર દેશનું નામ રોશન કરતી અંડર૧૯ મહિલા ક્રિકેટ ટીમ

કુઆલાલમ્પુરના બેયૂમાસ ઓવલમાં રમાઈ હતી મેચ, નિકી પ્રસાદની કેપ્ટનશિપમાં ટીમનું શાનદાર પ્રદર્શન

આઇસીસી અંડર-૧૯ મહિલા T20 વર્લ્ડ કપ ૨૦૨૫નો ચેમ્પિયન મળી ગયો છે. આ વખતે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે રમાઈ હતી. મલેશિયાની રાજધાની કુઆલાલંપુરના બાય્યુમાસ ઓવલ સ્ટેડિયમમાં બંને ટીમો એકબીજા સામે ટકરાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ખૂબ જ સરળતાથી જીત મેળવી અને ટાઇટલ પર કબજાે જમાવ્યો. તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમે સતત બીજી વખત અંડર-૧૯ મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે.

અગાઉ વર્ષ ૨૦૨૩ માં પણ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી. રવિવારે (૨ ફેબ્રુઆરી) રમાયેલી ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને ૯ વિકેટે હરાવ્યું. આ મેચમાં ભારતીય ટીમને જીતવા માટે ૮૩ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે તેણે માત્ર ૧૧.૨ ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમની જીતમાં ગોંગડી ત્રિશાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્રિશાએ બોલિંગમાં ત્રણ વિકેટ લીધી, જ્યારે બેટિંગમાં અણનમ ૪૪ રન બનાવ્યા. ભારતે સતત બીજી વખત આ ખિતાબ જીત્યો છે. છેલ્લી આવૃત્તિ ૨૦૨૩ માં દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી, જેમાં ભારતીય ટીમ શેફાલી વર્માની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બની હતી.

ટુર્નામેન્ટની પહેલી આવૃત્તિ ૨૦૨૩ માં દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી, જેમાં ભારતીય ટીમ શેફાલી વર્માની કેપ્ટનશીપ હેઠળ ચેમ્પિયન બની હતી. આ વખતે પણ ભારતીય ટીમનું અત્યાર સુધીનું અભિયાન શાનદાર રહ્યું છે અને તેણે ટુર્નામેન્ટમાં તેની તમામ સાત મેચ જીતી છે. નિક્કી પ્રસાદની આગેવાની હેઠળની ટીમે ત્રણેય વિભાગોમાં સારું પ્રદર્શન કર્યું છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ, સમગ્ર દક્ષિણ આફ્રિકાની ટીમ ૨૦ ઓવરમાં ૮૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી ન હતી કારણ કે બીજી ઓવરમાં ડાબોડી સ્પિનર પરુણિકા સિસોદિયાએ સિમોન લોરેન્સ (૦) ને આઉટ કરીને તેમને શરૂઆતનો ફટકો પડ્યો હતો. ત્યારે દક્ષિણ આફ્રિકાનો સ્કોર ૧૧ રન હતો.

ત્યારબાદ મધ્યમ ગતિની બોલર શબનમ શકીલે બીજી ઓપનર જેમ્મા બોથાને વિકેટ પાછળ કેચ અપાવ્યો. બોથાએ ૧૪ બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી ૧૬ રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકાને ૨૦ ના સ્કોર પર ત્રીજાે ફટકો પડ્યો જ્યારે ડાબોડી સ્પિનર આયુષી શુક્લાએ દિયારા રામલકન (૩) ને આઉટ કર્યો. ફાઇનલમાં લક્ષ્યનો પીછો કરતી વખતે, ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી. જી. કમાલિની અને ગોંગડી ત્રિશાએ મળીને ૪.૩ ઓવરમાં ૩૬ રનની ભાગીદારી કરી. કમાલિનીને ૮ રન બનાવીને કાયલા રેનેકેની બોલિંગમાં સિમોન લોરેન્સ દ્વારા કેચ આઉટ કરવામાં આવ્યો. અહીંથી, ગોંગડી ત્રિશા અને સાનિકા ચાલકેએ શાનદાર ભાગીદારી કરી અને ભારતને જીત અપાવી. ત્રિશાએ ૩૩ બોલમાં ૮ ચોગ્ગાની મદદથી અણનમ ૪૪ રન બનાવ્યા. જ્યારે સાનિકા ચાલકે ૨૬ રન બનાવી અણનમ રહી.