Sports

ભાલા ફેંકમાં ભારતનો નીરજ ચોપડા ૨૦૨૪નો શ્રેષ્ઠ પુરુષ ખેલાડી, ટ્રેક એન્ડ ફિલ્ડ ન્યૂઝ મેગેઝિનનું રેન્કિંગ જાહેર

અમેરિકાના કેલિફોર્નિયાથી પ્રકાશિત થતું ટ્રેક એન્ડ ફિલ્ડ ન્યૂઝ મેગેઝિન એથ્લેટિકસ રમતોનાં ચાહકો અને ખેલાડીઓ તેમજ વિવેચકો માટે ખૂબ પ્રતિષ્ઠિત મનાય છે. રમતજગતના વૈશ્વિક મંડળો પણ આ મેગેઝિનના અહેવાલ અને રેન્કિંગ પ્રત્યે આ સન્માન અને આદર ધરાવે છે. આ મેગેઝીને ભારતના નીરજ ચોપરાને ભાલા ફેંકનો વર્ષ ૨૦૨૪નો શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરતાં તેને ટોચનું સ્થાન આપ્યું હતુ.

દર વર્ષના અંતે મેગેઝિન દ્વારા જુદી જુદી ટ્રેક અને ફિલ્ડ રમતોના ખેલાડીઓના રમત પ્રમાણે રેન્કિંગ આપવામાં આવે છે તેમાં ટોપ ટેનમાં આવવું તે દરેક ખેલાડીઓનું સપનું હોય છે. આ મેગેઝિન દ્વારા ભારતના ઓલિમ્પિકના ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા નીરજ ચોપરા વર્ષ ૨૦૨૪ના ટોપ ટેન ભાલાફેંક ખેલાડીઓમાં નંબર વન પર જાહેર થયો છે. પેરિસમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પાકિસ્તાનનો અર્શદ નદીમ આશ્ચર્યજનક રીતે પાંચમા ક્રમે આવ્યો છે.

રેન્કિંગ આપનાર પેનલીસ્ટ અને મેગેઝિનના તંત્રીઓ રેન્કિંગ અંગેનું વિશ્લેષણ પણ આપતા હોય છે. તેઓએ જણાવ્યું છે કે, અમે ખેલાડીના વર્ષ દરમિયાનના સાતત્યભર્યા દેખાવને પણ મહત્ત્વ આપતા હોઈએ છીએ. નીરજ ચોપરા પ્રથમ અને બીજા ક્રમે બે વખતનો વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ છે. વર્ષ ૨૦૨૩માં પણ નીરજ ચોપરા આ રેન્કિંગમાં પ્રથમ રહ્યો હતો. આમ સતત બે વર્ષ વિશ્વના નંબર વન ભાલા ફેંક ખેલાડી તરીકે રહેવામાં નીરજ ચોપરાએ સફળતા મેળવી છે.

મેગેઝિને લખ્યું છે કે, ‘નીરજ ચોપરા અને એન્ડરસન વચ્ચે નંબર પર બનવા માટે નજીકની હરિફાઈ હતી. નીરજ ચોપરાએ વિતેલા વર્ષમાં ડાયમંડ લીગમાં જીત નહોતી મેળવી પણ તે પીટર્સ એન્ડરસન કરતા ઓવરઓલ ૩-૨થી સરસાઈ ધરાવે છે. પીટર્સે ત્રણ ડાયમંડ લીગ જીતી હતી. નીરજ ચોપરા ૯૦ મીટરનું લક્ષ્યાંક પાર નહોતો પાડી શક્યો પણ તેના દેખાવ સાતત્યસભર રહ્યો અને પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જયારે પીટર્સે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અર્શદ નદીમ પાંચમા ક્રમે રહ્યો હતો. તે અંગે મેગેઝિને લખ્યું છે કે, ‘ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નદીમ વર્ષ દરમ્યાન ઓલિમ્પિક સિવાય એક જ સ્પર્ધા રમ્યો અને તેમાં પણ તે ચોથા ક્રમે રહ્યો હતો.

નીરજ ચોપરાએ ગયા વર્ષે દોહામાં મેં મહિનામાં યોજાયેલુ ડાયમંડ લીગમાં ૮૮.૩૯ મીટરનો થ્રો ફેંક્યો હતો. જેકોબ વાડેલ્ચ પછી તે બીજા ક્રમે રહ્યો હતો. ફીનલેન્ડમાં યોજાયેલ પાવો નૂર્મી ટુર્નામેન્ટમાં નેશનલ ફેડરેશન સિનિયર એથ્લેટિક્સમાં તે વિજેતા રહ્યો હતો. તે પછી પેરિસ ઓલિમ્પિકમાં નીરજે ૮૯.૪૫ મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. પાકિસ્તાનના નદીમે ઓલિમ્પિક રેકોર્ડ તોડતાં ૯૨.૯૭ મીટરનો થ્રો નાંખી ગોલ્ડ મેડલ જીત્યો હતો. લાઉસાને ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ તેની કારકિર્દીનો બીજા નંબરનો શ્રેષ્ઠ થ્રો નાંખતા ૮૯.૪૯ મીટરનો આંક મેળવ્યો હતો અને બીજાે ક્રમ મેળવ્યો હતો. તે પછી બ્રસેલ્સ ઈવેન્ટમાં તેણે ભાગ લઈને પણ બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. બંનેમાં પીટર્સ પીટર્સએન્ડ એન્ડરસન પ્રથમ ક્રમે રહ્યો હતો.