Gujarat

જામનગર દરિયાકાંઠે સઘન ચેકિંગ, માછીમારોને સતર્ક રહેવા અપીલ

વેસ્ટ એશિયામાં પ્રવર્તી રહેલી તણાવપૂર્ણ ભૂરાજકીય પરિસ્થિતિને કારણે દેશની દરિયાઈ સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લાના સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

રોઝી બંદર, નવા-જૂના બેડી બંદર, માધાપર ભુંગા અને જોડિયા ભુંગા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન કમાન્ડોની ટીમોએ પગપાળા પેટ્રોલિંગ કરી સઘન ચકાસણી હાથ ધરી હતી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ દરિયાઈ માર્ગે ગેરકાયદેસર પ્રવૃત્તિ, ઘૂસણખોરી, હથિયારો કે નશીલા પદાર્થોની હેરાફેરી સહિતની કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને અટકાવવાનો હતો.

આ પેટ્રોલિંગ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્માના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું હતું. તેમાં દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા અને મરીન ટાસ્ક ફોર્સ, હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારનું નેતૃત્વ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.પી. પારેખનું માર્ગદર્શન પણ સામેલ હતું.

મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર ધરમવીર આર. યાદવ અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જી.એમ. બોપલિયા સહિત મરીન કમાન્ડોની ટીમોએ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન દરિયાકાંઠા નજીકની શંકાસ્પદ હિલચાલ, અજાણી વ્યક્તિઓ, બોટો તેમજ અન્ય પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી હતી.

આ ઉપરાંત ફિશ લેન્ડિંગ પોઇન્ટ, માછીમારી કેન્દ્રો, જેટીઓ, ઔદ્યોગિક સ્થાપનો તથા અવાવરું અને નિર્જન વિસ્તારોમાં પણ સઘન તપાસ કરવામાં આવી હતી. મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમોને ચોક્કસ વિસ્તારોની જવાબદારી સોંપી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી હતી.