Gujarat

પ્રેમમાં પાગલ પરિણીતાએ પતિ અને બાળકો છોડ્યા

વડોદરાના પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રેમના નામે ચાલતા સંબંધનો કરુણ અંજામ સામે આવ્યો હતો. પાંચ વર્ષથી પાડોશના ગામમાં રહેતા પરિણીત યુવક સાથે સંબંધમાં રહેલી બે બાળકોની માતા પતિ સાથેના ઝઘડા બાદ ઘર છોડીને પ્રેમીના ઘરે પહોંચી ગઈ હતી. જોકે, જે વ્યક્તિ માટે મહિલાએ પતિ અને બાળકોનો સાથ છોડ્યો હતો, એ જ વ્યક્તિએ મહિલાને પોતાના ઘરે રાખવાનો ઇનકાર કરી દીધો હતો. અંતે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે સમજાવટ અને કાઉન્સિલિંગથી મહિલાને પોતાની ભૂલનો અહેસાસ કરાવી પતિના ઘરે પરત મોકલી પરિવારને વિખેરાતો બચાવ્યો હતો.

પ્રેમી વારંવાર મહિલા પાસેથી પૈસાની માગણી કરતો પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાને 5 વર્ષથી બાજુના ગામમાં રહેતા એક પરિણીત વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હતો. બંનેને સંતાનો હોવા છતાં આ સંબંધ આગળ વધ્યો હતો. પ્રેમી વારંવાર મહિલા પાસેથી પૈસાની માગણી કરતો હતો અને પ્રેમમાં પડેલી મહિલા તેના ઇરાદા સમજી શકી નહોતી અને તેને પૈસા આપતી હતી.

રાત્રે પતિનું ઘર છોડીને પ્રેમીના ઘરે ગઈ, સ્વીકારવાનો ઇનકાર આ દરમિયાન મહિલાના પતિને આ સંબંધની જાણ થતાં ઘરમાં કંકાશ થયો હતો. આ ઘટનાથી વ્યથિત મહિલા રાત્રે પતિનું ઘર છોડીને પ્રેમીના ઘરે પહોંચી ગઈ હતી. પરંતુ મહિલાને પોતાના ઘરે આવેલી જોઈ પ્રેમીએ તેને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો અને ત્યાંથી નીકળી ગયો હતો. એક સમયે જે વ્યક્તિ માટે મહિલા પોતાનું ઘર-પરિવાર છોડીને નીકળી હતી. તે જ વ્યક્તિએ સાથ ન આપતા મહિલા મુશ્કેલીમાં મુકાઈ હતી.