શહેરમાં આનંદનગર પોલીસે તેજસ શાહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે કારણ કે, સામાન્ય લોકો સાથે દાન અને ધર્મના નામે લાખોની છેતરપીંડી કરવાનો આરોપ છે.
આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, તેજસ શાહ નામના વુક્તી દ્વારા એક વેપારી મયુર શાહને ફોન કરી પોતે ‘જૈન ઉપાશ્રય પાલડી’ સાથે જાેડાયેલો અને જૈન મહારાજ સાહેબના કામકાજ સાથે સંકળાયેલો છે તેવી ખોટી ઓળખ આપી હતી. વાતચીત દરમિયાન વેપારીનો વિશ્વાસ જીતવા તે બેકગ્રાઉન્ડમાં જૈન ગુરુ મહારાજ બોલતા હોય તેવો નકલી ઓડિયો પ્લે કરતો હતો. ધાર્મિક કાર્યો અને દાનના બહાને તેણે ટુકડે-ટુકડે લાખો રૂપિયા પડાવી લીધા હતા.
થોડા દિવસો બાદ વેપારી મયુર શાહને છેતરાયાનો અહેસાસ થતાં વેપારીએ ફરિયાદ નોંધાવતા આનંદનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી તેજસ શાહને ગાંધીનગરના મહુડી સ્ટાફ ક્વાર્ટરથી ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે માત્ર ધોરણ ૮ પાસ આરોપીના પિતા મહુડી મંદિરમાં પરબની નિ:સ્વાર્થ સેવા આપે છે, જ્યારે પુત્રએ ધર્મના નામે પડાવેલા આશરે ?૨૨ લાખ ઓનલાઇન સટ્ટામાં હારી દીધા હતા. આ ઠગે અન્ય લોકોને પણ શિકાર બનાવ્યા છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

