Gujarat

ઉમરગામમાં જાહેરમાં ગળા પર ચાકુ ફેરવી યુવકનો આપઘાતનો પ્રયાસ

વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક યુવકે જાહેરમાં પોતાના ગળા પર ચાકુ ફેરવી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતે સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે ગાંધીવાડી CHC ખાતે લઈ જવાયો હતો. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મંદિર પાછળ યુવકે પોતાના ગળા પર ચાકુ મારી દીધી પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં અનવરભાઈની ચાલીમાં રહેતા 32 વર્ષીય સોનુકુમાર અશોક પ્રસાદ કુશવાહએ આ પગલું ભર્યું હતું. ગઈકાલે 19 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે યશોધામ સિદ્ધિ વિનાયક મંદિર પાછળ હરીશ કંપની સામે તેણે પોતાની પાસેના ચાકુ વડે ગળા પર ઇજા પહોંચાડી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

સ્થાનિકોએ યુવકને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો ઘટના બન્યા બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ગાંધીવાડી CHC ખાતે પહોંચાડ્યો હતો. અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બપોરે આશરે 3 વાગ્યે તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.