ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના સ્વાભિમાન, સંઘર્ષ અને શૌર્યના પ્રતીક માનવામાં આવે છે. તેમણે બ્રિટિશ શાસન સામે આદિવાસી સમાજને સંગઠિત કરી સ્વતંત્રતા અને અધિકારો માટે લડત ચલાવી હતી. તેમના જીવનસંઘર્ષ અને બલિદાનને યાદ કરવા તેમજ આદિવાસી સમાજની ઐતિહાસિક વિરાસતનું સન્માન કરવા દર વર્ષે 15 નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ગુજરાતમાં પણ આ ઉજવણીને વ્યાપક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. વર્ષ 2024માં ડાંગ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના કાર્યક્રમ સહિત 14 જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભારત સરકારે 15 નવેમ્બર, 2024થી 15 નવેમ્બર, 2025 સુધીના સમયગાળાને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
આ દરમિયાન આદિવાસી પરિવારોના સર્વાંગી વિકાસ માટે PM-JANMAN, ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને સિકલસેલ નિર્મૂલન અભિયાન જેવી યોજનાઓના માધ્યમથી કરવામાં આવેલી કામગીરીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

વર્ષ 2025માં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાતમાં 28 નવેમ્બરથી 11 ડિસેમ્બર દરમિયાન ચાર આદિજાતિ જનઉત્કર્ષ મહોત્સવ યોજાયા હતા અને 54 આદિજાતિ તાલુકાઓમાં વિકાસ રથ દ્વારા વિવિધ સરકારી યોજનાઓની જાણકારી પહોંચાડવામાં આવી હતી.

