પોરબંદર તાલુકાના ખીસ્ત્રી ગામે રાત્રિના સમયે એક માદા મગર વાડી વિસ્તારમાં આવી ચડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાજુભાઈ સુકાભાઈ ખીસ્તરીયાની વાડીમાં આવેલી 13 વર્ષીય અને આશરે 6થી 7 ફૂટ લાંબી માદા મગર પરિવારના ધ્યાને આવતાં તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
વાડી વિસ્તારમાં ઠંડક અને પાણીની શોધમાં મગર આવી ચડતી હોવાનું મનાય છે. ઘટનાની જાણ થતાં પોરબંદર વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી મગરનું સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું અને તેને સલામત સ્થળે છોડી મૂકવામાં આવી હતી.
દુષ્કાળની સ્થિતિથી જળચર જીવોની મુશ્કેલી વધી સમગ્ર બરડા વિસ્તારમાં દુષ્કાળની સ્થિતિને કારણે જળસ્ત્રોતો સુકાઈ રહ્યા છે. ખીસ્ત્રી ગામ પાસેથી પસાર થતો વોકળો પણ સુકાઈ જતાં તેમાં વર્ષોથી વસવાટ કરતા મગર સહિતના જળચર જીવો પાણીની શોધમાં આમતેમ ભટકી રહ્યા છે. કુદરતી રહેઠાણમાં પાણીની અછત સર્જાતાં મગરો આસપાસના વાડી વિસ્તારોમાં આવી ચડે છે. પરિણામે વાડી વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે.

