સુરત શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને આંખમાં પાણી લાવી દે તેવી ઘટના સામે આવી છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં રમતા-રમતા દોઢ વર્ષનું એક માસૂમ બાળકનું પાણી ભરેલી ડોલમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું. આ અચાનક બનેલી દુર્ઘટનાથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો અને માતા-પિતાના આક્રંદથી વાતાવરણ ગમગીન થઈ ગયું.
રમતા-રમતા બાળક પાણીની ડોલ પાસે પહોંચ્યું ભેસ્તાન વિસ્તારમાં રહેતા મુકેશ કુમારનો દોઢ વર્ષનો પુત્ર સુપ્રીત ઘરમાં રમી રહ્યો હતો. રમતા-રમતા આ માસૂમ બાળક ઘરના બાથરૂમમાં પાસે પહોંચી ગયો હતો. જ્યાં પાણી ભરેલી ડોલ મૂકેલી હતી. બાળક રમતા-રમતા પાણીની ડોલ સુધી પહોંચ્યો અને અચાનક તેનું મોઢું પાણીની ડોલમાં જતું રહ્યું હતું.
શોધખોળ કરતા માતાને બાળક ડોલમાં જોવા મળ્યું જ્યારે બાળકની માતા તેની શોધખોળ કરી રહી હતી અને ત્યાં પહોંચી, ત્યારે તેણે બાળકને પાણીની ડોલમાં ડૂબેલી હાલતમાં જોયો. આ દ્રશ્ય જોઈને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તે ચીસાચીસ કરતી દોડી આવી હતી.
પરિવારજનો તાત્કાલિક ધોરણે માસૂમ બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈને દોડી ગયા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ બાળકની તપાસ કરી તેને મૃત જાહેર કર્યો હતો. આ કરુણ બનાવને પગલે ભેસ્તાન પોલીસે ઘટનાસ્થળે પહોંચી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડ્યો હતો.
‘અકસ્માતે બાળકનું મોઢું પાણીમાં જતું રહ્યું’ આ ઘટના અંગે મૃતકના કાકા શેખરકુમારે જણાવ્યું હતું કે, ભાભી ઘરમાં કામ કરી રહી હતી અને બાળક રમતા-રમતા બાથરૂમ કે પાણીની ડોલ પાસે પહોંચી ગયો હતો. થોડીવાર પછી જ્યારે બાળકની ભાળ ન મળી તો શોધખોળ કરવા પર તે પાણીની ડોલમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો.
આ દુર્ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જ્યારે મૃતકના પિતા મુકેશકુમારે જણાવ્યું હતું કે, હું કામકાજ અર્થે બહાર હતો અને ઘરમાં પત્ની તથા નાના બાળકો હતા. રમતા-રમતા માસૂમ સુપ્રીત પાણીની ડોલ પાસે ગયો અને રમતમાં અકસ્માતે તેનું મોઢું પાણીમાં જતું રહેવાથી આ ગોઝારી ઘટના ઘટી છે.

