Gujarat

વિરાણીથી વીરપુર 19 ભક્તોની સાયકલ યાત્રા શરૂ

ભક્તિ જ્યારે સંકલ્પ બને અને શ્રદ્ધા જ્યારે પરંપરાનું સ્વરૂપ ધારણ કરે ત્યારે વર્ષો સુધી અવિરત ચાલતી યાત્રાઓ જન્મ લે છે. આવી જ અતૂટ આસ્થા અને સમર્પણની અનોખી પરંપરા એટલે વિરાણીથી વીરપુર સુધીની સાયકલ યાત્રા. સતત ૪૨ વર્ષથી ચાલી આવતી આ ધાર્મિક સાયકલ યાત્રાનો મંગળવાર, તા. ૧૦ નવેમ્બર ૨૦૨૬ના રોજ ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ થયો હતો. જલારામ બાપાના દર્શન કરવાની ભાવના સાથે ૧૯ ભક્તો સાયકલ પર વીરપુર ધામ તરફ રવાના થયા છે.

ભાવેશ આઈયાની આગેવાની હેઠળ નીકળેલી આ યાત્રાના પ્રસ્થાન પ્રસંગે વિરાણી ગામમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો. વિરાણી રામમંદિરના મહંત સરયુદાસ બાપુએ પોતાના ગુરુ શ્રી શાંતિદાસ બાપુના આશીર્વાદ અને શુભેચ્છાઓ સાથે તમામ યાત્રિકોને સુખદ પ્રવાસ માટે આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે વિરાણીના વતની અને અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં બપોરે ૧:૩૦ કલાકે જલારામ બાપાના જયઘોષ સાથે યાત્રાને વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

યાત્રાના પ્રથમ તબક્કામાં ભક્તો બપોરે આશરે ૨:૩૦ કલાકે નખત્રાણા સ્થિત શ્રી શ્રી સાઈ જલારામ મંદિરે પહોંચ્યા હતા. અહીં શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઈ પલણ, મંત્રી મેહુલભાઈ દાવડા, જયંતીભાઈ કારિયા તેમજ શ્રી નખત્રાણા લોહાણા યુવક મંડળના પ્રમુખ જીગ્નેશભાઈ પલણ સહિતના આગેવાનોએ યાત્રિકોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. યાત્રિકોને શુભેચ્છાઓ પાઠવી તેમની ધાર્મિક ભાવનાને બિરદાવી હતી.