વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને મોટી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરોએ મકાનની લોખંડની જાળીનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીઓમાંથી સોના-ચાંદીના કિંમતી દાગીના તથા રોકડ રકમ મળીને કુલ ₹6.31 લાખથી વધુની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર બનાવ અંગે પડોશીએ મકાન માલિકને જાણ કરતા ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. આ મામલે બાપોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નાના ભાઈના ઘરે રોકાવા ગયાને ચોરી થઈ મળતી વિગતો અનુસાર, વાઘોડિયા રોડ પર આવેલી દ્વારકેશકુંજ સોસાયટીમાં રહેતા અને કલાદર્શન ચાર રસ્તા પાસે ‘ભાગ્યોદય હેર આર્ટ’ નામનું સલૂન ચલાવતા અજયભાઈ હરેશભાઈ નાઈ ગત 28 જુલાઈની સાંજે પરિવાર સાથે નાના ભાઈના ઘરે રોકાવા ગયા હતા. મકાન બંધ હોવાનો લાભ ઉઠાવીને ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો. બીજા દિવસે સવારે પડોશી જયમીનભાઈએ ઘરનું તાળું તૂટેલું જોઈ તુરંત અજયભાઈને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી.
લોખંડની જાળીના નકુચા તૂટેલી હાલતમાં મળ્યા ઘટનાની જાણ થતાં જ અજયભાઈ તુરંત પોતાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં મુખ્ય લોખંડની જાળીના નકુચા તૂટેલી હાલતમાં મળ્યા હતા. ઘરની અંદર પ્રવેશતા જ બે લોખંડની તિજોરીના લોક તૂટેલા હતા અને તમામ સામાન વેરવિખેર પડ્યો હતો. તિજોરીમાં તપાસ કરતા સોનાની વીંટીઓ, ચેઇન, મંગળસૂત્ર, સોનાનો સેટ, કડા, પેન્ડન્ટ અને ચાંદીના કિંમતી દાગીના ઉપરાંત ₹50,000ની રોકડ રકમ મળીને કુલ ₹6,31,035ની મત્તા ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું.

