વાઘોડિયા પોલીસે વહેલી પરોઢે ઉમરવા ગામમાં દરોડો પાડી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. 4,28,440/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.વાઘોડિયા પીઆઈ ગોહિલને મળેલી બાતમીના આધારે વાઘોડિયા ડી-સ્ટાફ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
વહેલી સવારે ઉમરવા ગામની ગોકુલ ઉપવન સોસાયટીના મકાન નંબર 13 માં આ દરોડો પાડવામાં આવ્યો હતો.દરોડા દરમિયાન મકાન માલિક દર્શનભાઈ રવિન્દ્રભાઈ પટેલ (ઉંમર 34, મૂળ રહે. દેવ સાઈ બંગ્લોઝ, આણંદ) અને રામદાન પ્રભુદાન ગઢવી (ઉંમર 43, રહે. વઢવાણા, સુરેન્દ્રનગર) હાજર મળી આવ્યા હતા.
બંને આરોપીઓ એકબીજાની મદદગારીથી દારૂનો વેપાર કરતા હોવાનું સામે આવ્યું છે.પોલીસે મકાનમાંથી અને સફેદ કલરની વોક્સવેગન વેન્ટો ગાડી (GJ-06-ED-6790) ની ડીકીમાંથી ભારતીય બનાવટની ઊંચી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 120 કાચની બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત રૂ. 3,16,440/- થાય છે.
આ ઉપરાંત, રૂ. 1 લાખની કિંમતની વોક્સવેગન વેન્ટો ગાડી અને રૂ. 12,000/- ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા.આમ, કુલ રૂ. 4,28,440/- નો મુદ્દામાલ વગર પાસ-પરમિટના દારૂ સાથે કબજે કરવામાં આવ્યો હતો. હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ લાભુભાઈએ બંને આરોપીઓ વિરુદ્ધ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.

