શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલ હાઇવે પર એક આંગડિયા પેઢીમાં લૂંટ કરવા આવેલા બે હથિયારધારી શખ્સોને પોલીસે ઝડપી પડ્યા છે. આંગડિયા પેઢીમાં ઘૂસીને તમંચો બતાવી ૧૧ લાખની રકમ લૂંટી લીધી હતી. જાેકે, સ્થાનિકોએ બન્ને આરોપીને ઝડપીને પોલીસને સોપ્યા હતા. પોલીસે તેમની પાસેથી ૩ તમંચા અને ૧૯ જીવતા કારતૂસ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
૨૪ સપ્ટેમ્બરની સાંજે નારોલ મ્ઇ્જી બસ સ્ટેન્ડ સામે આવેલા આદર્શ કોમ્પલેક્સમાં ‘પટેલ મહેન્દ્રભાઇ સોમાભાઇ આંગડિયા પેઢી‘ આવેલી છે. આ આંગડિયા પેઢીમાં વસ્ત્રાલમાં રહેતા ૩૮ વર્ષીય અંકિતભાઈ ગજ્જર કેબિનમાં એકલા કામ કરી રહ્યા હતા અને ટેબલના ખાનામાં આશરે રૂ.૧૧ લાખની રોકડ હતી. આરોપીઓએ તમંચો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રોકડની માંગણી કરી હતી. જાેકે અંકિતભાઈએ ડર્યા વિના બંને આરોપીઓના હથિયારવાળા હાથ પકડી લીધા હતા.
આરોપીઓએ પકડ છોડાવવા અંકિતભાઈ સાથે ઝપાઝપી કરી અને માર માર્યો હતો, પરંતુ તેમણે હાથ છોડ્યા નહોતા અને ત્યારબાદ અંકિત ભાઈએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બંને આરોપીઓને સ્થળ પર જ ઝડપી પોલીસને સોંપી દીધા હતા.
ઇસનપુર પોલીસે રાજન શાહ અને અલી મોહમ્મદ શેખની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ૩ દેશી તમંચા અને ૧૯ જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓએ ઘટનાના બે દિવસ પહેલાં આંગડિયા પેઢીની રેકી કરી હોવાનું સામે આવ્યું છે જ્યારે ગુનામાં સંડોવાયેલા પ્રીતમસિંહ નામના અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે.
આ સમગ્ર મામલે વાત કરતા ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, આરોપીઓ પૂર્વ તૈયારી સાથે લૂંટના ઇરાદે આવ્યા હતા અને અગાઉ પેઢીની રેકી કરી હતી. હથિયાર બતાવી લૂંટનો પ્રયાસ થયો હતો, પરંતુ પેઢીના સંચાલકે હિંમત દાખવી બંને આરોપીઓને પકડી લીધા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી ૩ દેશી તમંચા અને ૧૯ જીવતા કારતૂસ કબજે કર્યા છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસ ચાલુ છે.

