રાજકોટ શહેરમાં દર વર્ષે છઠ્ઠ પૂજામાં ઉમટતા શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજકોટ મનપાના ફાયર વિભાગ દ્વારા સઘન સુરક્ષા-વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આગામી રવિવારે આજીડેમ ખાતે યોજાનારા મુખ્ય છઠ્ઠ પૂજા મહોત્સવમાં અંદાજે 7,000 જેટલા શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા હોવાથી, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર વિભાગની ટીમ પૂરા સમય માટે ખડેપગે રહેશે.
રાજકોટમાં છઠ્ઠ પૂજાનું મુખ્ય આયોજન આજીડેમ ખાતે જ્યાં રવિવારી બજાર ભરાય છે તેની પાછળના કિનારે કરવામાં આવે છે. મનપાના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ જણાવ્યું કે, શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે બે અલગ-અલગ ફાયર સ્ટેશનના સ્ટાફની એક સંયુક્ત ટીમ તૈયાર કરવામાં આવી છે, જેમાં 2 અધિકારીઓ સહિત કુલ 22 કર્મચારીઓ ફરજ બજાવશે.
રેસ્ક્યૂ વ્હીકલ, એમ્બ્યુલન્સ અને જરૂરી સાધનો સાથે ટીમ સજ્જ આપત્તિ વ્યવસ્થાપન અને તાત્કાલિક બચાવ કામગીરીને ધ્યાનમાં રાખીને આજીડેમ સ્થળ પર રેસ્ક્યૂ વ્હીકલ, એમ્બ્યુલન્સ તેમજ પાણીમાં બચાવ કામગીરી માટેના જરૂરી રેસ્ક્યૂ ઇક્વિપમેન્ટ્સ તૈનાત રાખવામાં આવશે. ફાયર વિભાગની આ અગમચેતી અને સુચારુ આયોજનથી છઠ્ઠ પૂજામાં આવનાર હજારો શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત થશે.

