Gujarat

કવાંટમાં દિવાળીના તહેવાર ટાણે જ પંચાયતના મકાનમાં ફટાકડાથી આગ

કવાંટ ખાતે દિવાળીના પાવન પર્વ પર એક અકસ્માત સર્જાતાં જોતજોતામાં મોટો ફેલાવો થવાની શક્યતા હતી, પરંતુ સ્થાનિક જાગૃત વોર્ડ સભ્યની સમયસૂઝના કારણે મોટી હોનારત ટળી ગઈ હતી. કવાંટમાં શ્રીનાથજી સોસાયટી સામે આવેલા પંચાયતના મકાનમાં દિવાળીના દિવસે અચાનક આગ ફાટી નીકળી હતી.

મળતી પ્રાથમિક માહિતી મુજબ, ફટાકડા ફોડતી વખતે આ મકાનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગની ભીષણ લહેરો અને ધુમાડાના ગોટેગોટા જોઈને આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ કવાંટના જાગૃત વોર્ડ સભ્ય અભય પંડ્યા ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે પોતાના વોર્ડમાં અગાઉથી જ સુરક્ષાના ભાગરૂપે વસાવીને રાખેલા ફાયર સેફ્ટીના સાધનો અને ફાયર એક્સ્ટિંગ્વિશર બોટલોનો તાત્કાલિક ઉપયોગ કર્યો હતો.

અભય પંડ્યા અને અન્ય સહયોગીઓની સક્રિયતાથી આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે કે ફેલાય તે પહેલાં જ તેને સફળતાપૂર્વક કાબૂમાં લઈ લેવાઈ હતી અને સંપૂર્ણપણે બુઝાવી દેવાઈ હતી. સમયસર ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ થવાથી આગ પર ત્વરિત કાબૂ મેળવી શકાયો હતો, જેના કારણે સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન ટળ્યું હતું.