Gujarat

જામનગરમાં 71% વરસાદની ઘટ કોંગ્રેસે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કલેક્ટરને આવેદન આપ્યું

જામનગર જિલ્લામાં ચાલુ મોસમ દરમિયાન 71 ટકા વરસાદની ગંભીર અછત નોંધાઈ છે. આ પરિસ્થિતિને કારણે ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ ચિંતાજનક બની છે. જામનગર જિલ્લા કોંગ્રેસે સમગ્ર જિલ્લાને તાત્કાલિક ‘દુષ્કાળગ્રસ્ત’ જાહેર કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયાના નેતૃત્વમાં કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમણે કલેક્ટર સમક્ષ વરસાદના અભાવે ખેડૂતો પર આવી પડેલા સંકટ અંગે વિગતવાર રજૂઆત કરી હતી.

આવેદનપત્રમાં જણાવાયું હતું કે વરસાદની તીવ્ર અછતને કારણે ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ઘાસચારાની ભારે ખેંચ ઊભી થવાના સંકેતો છે.

કોંગ્રેસે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સમગ્ર જિલ્લામાં પાક અને પાણીની સ્થિતિનો સર્વે કરાવવાની માંગ કરી હતી. ખેડૂતોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ગ્રામજનો અને ખેડૂતોને જરૂરી રાહત સહાય પૂરી પાડવા પણ ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયા ઉપરાંત કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલીયા, પૂર્વ વિપક્ષ નેતા જિલ્લા પંચાયત જે.પી. મારવીયા સહિત કોંગ્રેસના અન્ય આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.