Gujarat

ધ્રોલની ગજાનન સોસાયટીમાં પ્રાચીન ગરબીનું આયોજન

ધ્રોલના ગજાનન સોસાયટી ગરબી ચોકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ હેઠળ પરંપરા મુજબની પ્રાચીન ગરબીનું આયોજન કરાયું છે. આ ગરબીમાં ખાસ કરીને બાળાઓ દ્વારા રજૂ કરાયેલો અઠિંગો રાસ મુખ્ય આકર્ષણ બન્યો હતો. આ રાસ જોવા માટે ધ્રોલ અને આસપાસની સોસાયટીના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

વર્ષોની પરંપરા ધરાવતી આ ગરબીનું આયોજન ગજાનન સોસાયટી અને વિજાનંદ સોસાયટીના રહેવાસીઓ દ્વારા સંયુક્ત રીતે કરાય છે. આ ગરબી સંપૂર્ણપણે પ્રાચીન પરંપરાને અનુરૂપ યોજાય છે, જેમાં બાળાઓ અને ખેલૈયાઓ માતાજીના ગરબે ઘૂમીને ભક્તિભાવપૂર્વક આરાધના કરે છે.

નવરાત્રીના દરરોજ માતાજીની આરતી કરીને ગરબીની શરૂઆત થાય છે. દરરોજ અલગ-અલગ શેરી આરતી અને સેવાનો લાભ ભાવિકો લે છે. ગરબી પૂરી થયા બાદ તમામ ભક્તો અને ખેલૈયાઓને પ્રસાદીનું વિતરણ કરાય છે. આ મહોત્સવને સફળ બનાવવા ગરબી મંડળના સભ્યો અને બંને સોસાયટીના કાર્યકરો કામ કરી રહ્યા છે. આયોજક સમિતિ દ્વારા ધ્રોલ અને આસપાસના લોકોને માતાજીના દર્શન અને આરતીનો લાભ લેવા આમંત્રણ અપાયું છે.